પૃષ્ઠ:Chhayanat.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨: છાયાનટ
 


‘બહેનોની પાસે...'

‘મારી કાર લેઈ જા.' કહેતાં કહેતાં બંને જણ, ઓફિસમાં આવ્યા અને ટેલિફોનની ઘંટડી ખણખણી.

શરદે રિસીવર હાથમાં લીધો :

'હા જી... હું શરદ, વાંચી ગયો...બરાબર છે, પણ એક વાત રહી ગઈ... મજૂર બાળકોને રમવા માટે એક ફૂટબોલ પણ આપ્યો. કોંગ્રેસને બે બાજુએ રમવું છે... સમાજવાદમાં હું જેટલું સમજું છું એટલું બીજો કોઈ... હા હા... રાતપાળી વગર કેમ ચાલે ? લઢાઈના સામાનની વરદી છે. સહકાર કરીને સરકાર બનવું એમાં હું માનું છું. બીજું કોઈ જ મારી પાસે નથી, માત્ર મારો મિત્ર છે ગૌતમ...હા. આજે જ છૂટ્યો...તમે ઓળખો છો ?... જરૂર મોકલું... પછી વાત કરીએ... જય જય !’

શરદમાં કેટલું વ્યાવહારિક ડહાપણ, સ્વભાન અને ચાલાકીભરી આવડત આવી ગયાં હતાં તેની માનસિક નોંધ પણ ગૌતમ કરતો જ હતો. એક વાત નક્કી થઈ ગઈ. લાખોનો અંગત નફો મેળવ્યા પછી દેશહિતની વાત કરનાર લબાડોના વર્ગમાં તે બેસી ગયો હતો.

શરદે ઘંટડી વગાડી. ચપરાસી આવ્યો.

‘સાહેબને માટે મારી કાર કાઢો.' શરદે કહ્યું અને ચપરાસી ઝડપથી બહાર ગયો. ગૌતમમાં ‘સાહેબ’ કહેવા જેવું કશું તત્ત્વ ચપરાસીને દેખાયું નહિ.

'કારની શી જરૂર છે ?’ ગૌતમે કહ્યું.

‘અરે લેઈ જા ને ! એને કરવાનીયે શું ?'

‘મને એ ટેવ પોસાય નહિ.’

‘એમાં વળી ટેવ શાની ? અને જે થોડી રકમની જરૂર હોય તો મને કહેજે. અમારી મિલોના લેબર ઓફિસરની જગા તારે માટે જ મેં રાખી મૂકી હતી; પણ તે અરવિંદને હાલમાં જ આપી. એ પણ ડૂબતો માણસ છે.’

'સારું કર્યું. મારે જગા કે રકમ કાંઈ ન જોઈએ. અરવિંદ આઈ. સી. એસ. ન થયો ?'

'ના ભાઈ. વિલાયત જઈ ફસાઈ પડ્યો. એક મડમ પરણી લાવ્યો છે.'

બંને જણ વાતો કરતા કરતા કાર પાસે આવી પહોંચ્યા હતા. ઑફિસના માણસો આશ્વર્ય પામ્યા. આ વિચિત્ર દેખાવના માણસને રોક્યો નહિ એ જ સારું થયું એમ બધાયને લાગ્યું. કોઈ જૂનો મિત્ર જૂના નોકરો