પૃષ્ઠ:Chhayanat.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૧૮૩
 

ઉપર આવી બેસી જશે એવી ભીતિ નવા રાજા અને નવા શેઠિયાઓની કારકિર્દીમાં સહુને લાગે છે.

ગૌતમને કારમાં બેસાડી બારણું બળપૂર્વક બંધ કરી બહારથી બારીમાં ડોકું નાખી શરદે કહ્યું :

‘બને તો પહેલો ‘ગરવી ગુજરાત’માં જા.’

'કેમ ?'

'તને એના તંત્રી યાદ કરે છે.'

'મને ક્યાંથી ઓળખે ?'

‘ખબર નથી. પણ તને આગ્રહપૂર્વક બોલાવ્યો છે. બીજે ક્યાંય રહેવાનો ન હોઉ તો બંગલે આવજે. ચાર દિવસ મારી સાથે રહીશ તો મને સારું લાગશે.'

‘ફરી કોઈ વાર આવીશ.'

‘લે આ નાની સરખી રકમ, પાછી લેવાની નથી. પચાસમાં કશું થાય નહિ, છતાં...'

'મારે કાંઈ ન જોઈએ.' કહી શરદનો લંબાવેલો હાથ ગૌતમે ઠેલ્યો.