પૃષ્ઠ:Chhayanat.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨

કારે ધબકવા માંડ્યું. શરદ આઘો ખસ્યો. કારમાં સહજ ગતિ આવી એટલે શરદે શૉફરને ઉદ્દેશી કહ્યું :

‘સાહેબ કહે ત્યાં લઈ જજે, અને સાડા પાંચે અહીં હાજર થઈ જજે.'

શરદે હાથ ઊંચો કરી જૂના મિત્રને આવજોનું સૂચન કર્યું અને કાર દોડી.

ગૌતમને એ જ સ્થળે ઊતરી પડવાનું મન થયું. મિત્રના સ્નેહાચારને માન સમજવું કે અપમાન ? બપોરના ચાર વાગ્યા હતા. દોઢ કલાકમાં એને કાર પાછી જોઈતી હતી તો આપી શા માટે ? અને તેનો હુકમ શૉફરને ગૌતમના દેખતાં કર્યો ! એ કારમાં બેસાય ખરું ?

અને પચાસ રૂપિયાની રકમ તેના હાથમાં મુકાતી હતી ! ચાર વર્ષ કેદખાને ગાળી આવેલા માણસને આ લક્ષાધિપતિ મિત્ર પચાસ રૂપિયા આપતો હતો ! કદાચ પચાસ રૂપિયા આપી તેનો પગ સમૂળ ટાળવાની આ ધનિકયુક્તિ તો નહિ હોય ? વળી બીજે ક્યાંય રહેવાનું ન હોય તો જ ગૌતમે શરદને બંગલે આશ્રય લેવો ! ગૌતમને આ ઝીણવટવાળું માનભર્યું સૂચન હતું કે તેનો શરદને જરાય ખપ નથી એવો ભાવ તેમાં હતો ? એટલું જ નહિ, એની હાજરી, શરદને ફાવવાની પણ નથી. ચાર દિવસ સાથે રહેવાનું આમંત્રણ ! જન્મભર જેણે ઉત્પન્નનો ચોથો ભાગ સામ્યવાદના હિતાર્થે ગૌતમને આપી દેવાનું કબૂલ કર્યું હતું તે યુવક આજે ચાર દિવસનું જ આમંત્રણ આપતો હતો !

ગૌતમને એકાએક લાગ્યું કે પોતે કેદમાં જઈ નીચ બની ગયો છે ! આટલી સારી રીતે વાતચીત કરનારને કદાચ તે અન્યાય કરતો હોય ! પોતાની સ્થિતિ અસહ્ય બની જવાથી ગૌતમ જગત આખાને પોતાની નીચતાનાં ચશ્માંથી જોતો હોય !

કાર એકાએક ઊભી રહી. બહાર નજર કરતાં ‘ગરવી ગુજરાત'નું પાટિયું દેખાયું.

‘અહીં પછી આવીશું. રાવબહાદુરને ઘેર લેઈ જાઓ.' ગૌતમે કહ્યું અને યંત્ર બની ગયેલા શૉફરે યંત્રને તે તરફ વાળ્યું.

ગૌતમને સમય લાંબો લાગ્યો. કારની ઝડપ જેવી અને તેવી જ હતી,