પૃષ્ઠ:Chhayanat.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૧૮૫
 

જતાં બહેનોને મળવાની ઉત્કંઠા તેને અધીરો બનાવી રહી હતી. કાર અટકતાં બરોબર ગૌતમ નીચે ઊતર્યો અને રાવબહાદુરના ઘરમાં ધસ્યો.

નોકરોએ તેને રોક્યો :

‘કોનું કામ છે ?’

'સુનંદાનું - અલકનું.'

‘શું કામ છે ?'

‘એને કહીએ કે એનો ભાઈ ગૌતમ મળવા આવ્યો છે.’

‘ઊભા રહો; હું કહી આવું.' કહી નોકર અંદર ગયો.

માનવજાતના દરવાજા અને દરવાનો ક્યારે અદૃશ્ય થશે ? ગૌતમે આગળ ડગલાં થોડાં ભરવા માંડ્યાં. નોકરના પાછા ફરતા પહેલાં તો સુનંદા અને અલકનંદા દોડતાં બહાર આવ્યાં. ચોકમાં જ ભાઈ અને બહેનોનો ચાર વર્ષે મેળાપ થયો.

‘ભાઈ !’ બંને બહેનોના મુખમાંથી એક સામટું સંબોધન સંભળાયું.

આસપાસ નોકરો અને સગાંવહાલાં ઊભાં હતાં તેનું કોઈને ભાન રહ્યું નહિ. અલકનંદા ગૌતમને વળગી જ પડી. ગૌતમે એને છાતી સરસી ચાંપી. મોટી બહેન સુનંદા પણ ગૌતમના બીજા હાથ ઉપર ઝઝૂમી રહી.

કેટલી ક્ષણો ગઈ હશે તેનું આ હૃદયત્રિપુટીને ભાન રહ્યું નહિ. ભાન આવ્યું ત્યારે સુનંદા સહજ ખસી. અલકનંદા તો હજી પણ ગૌતમને વળગી જ રહી હતી.

‘ભાઈ !’ એ ઉચ્ચારણ કરતાં બહેન ધરાતી ન હતી.

‘ભાઈ, આવ્યા ?'

‘ભાઈ, કેમ આવા થઈ ગયા છો ?’

બહેનોની આંખમાંથી શ્રાવણભાદરવો વહેતો હતો. અને કઠણ હૃદયનો ભાઈ પોતાના પહેરણ વડે બહેનોની આંખ લૂછતો હતો.

'હવે ભેટી રહ્યાં હો તો અંદર બેસો.' બાજુએથી એક કર્કશ નારી અવાજ આવ્યો. સ્ત્રીના કિન્નરકંઠમાં આવી કઠોરતા સંભવે ખરી ?

બંને બહેનોના મુખ ઉપર કાળી છાયા પથરાઈ ગઈ.

‘ભાઈ, આવો અંદર.' કહી સુનંદા એક ઓરડા ભણી વળી. અલકનંદાએ ગૌતમનો હાથ પકડેલો રાખ્યો.

'ઠીક ઠીક ગોઠવેલા એક દીવાનખાનામાં ત્રણે જણે પ્રવેશ કર્યો. ફરી ત્રણે જણ એકબીજા સામે જોઈ રહ્યાં.

'સુનંદા ! આવી. દૂબળી કેમ પડી ગઈ ?’ ગૌતમે પૂછ્યું.