પૃષ્ઠ:Chhayanat.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૬ : છાયાનટ
 


‘કાંઈ નહિ, ભાઈ ! એ તો અમસ્તુ જ એમ લાગે છે.' સુનંદાએ કહ્યું. સ્ત્રીઓ પોતાનાં દુઃખ સંતાડી શકે છે.'

'અને અલક ! તું ઊંચી તો થઈ, પણ આમ સોટી જેવી...' ગૌતમે પૂછ્યું અને અલક એકાએક ગૌતમના ખોળામાં માથું મૂકી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. ગૌતમે તેને થોડી વાર રડવા દીધી.

‘બહેન, અલક...' ગૌતમે હાથ ફેરવી અલકને ઉઠાડી. રડતી અલકે કહ્યું :

'ભાઈ ! મોટાભાઈ તો... ગયા...'

અને ક્યારથી પકડી રાખેલું ગૌતમનું હૃદય બળ કરીને વહી ગયું. વર્ષોથી અશ્રુને ભૂલી ગયેલા ગૌતમની આંખમાંથી આંસુનાં બુંદ ટપકવા માંડ્યા અને જોતજોતામાં એ બુંદની ધારા બની ગઈ.

‘હું ભાષણમાં જાઉ છું, અને ત્યારથી સિનેમામાં જઈશ. તમારા ભાઈને જમાડજો.’ એક ઠસ્સાદાર મધ્યવયી, રૂપને વળગી રહેવાનાં હવાતિયાં મારતી સ્ત્રીએ ઓરડાના બારણા પાસે આવી ટહુકો કર્યો.

અને તેમનો દેહ દેખાતો બંધ થતાં તેમનો એક ધીમો પરંતુ સાંભળવા માટે જ ઉચ્ચારાયલો સ્વર સંભળાયો :

‘બે'ન તો માથે પડી છે; હવે ભાઈ આવ્યા !’

ગૌતમનાં આંસુ સુકાઈ ગયાં. કેટલાક બોલ બરફને પણ પ્રજાળી મૂકે એવા હોય છે.

‘એ કોણ છે ?’ ગૌતમે પૂછ્યું :

‘મારાં સાસુ છે.' સુનંદાએ કહ્યું.

હિંદની સુપ્રસિદ્ધ સાસુઓ હજી આ સુધરેલા યુગમાં પણ એવી ને એવી જ રહી છે શું ? મીઠું પાયેલાં તલવાર અને ભાલાને બાજુએ મૂકે એવાં અણીદાર મેણાંવડે વહુઓનાં હૃદયને સતત ઘવાયલું રાખતી સાસુઓ આર્યસંસ્કૃતિનો એક નમૂનો છે. આર્ય હિટલર જો પરણ્યો હોત તો એની આાર્યમાતાએ હિટલર અને એની પત્નીને એવાં લાચાર બનાવી મૂક્યાં હોત કે, પરાક્રમી પુત્રને આજના વર્તમાન યુદ્ધનો સ્વપ્નને પણ વિચાર આવ્યો ન હોત !

‘ભાઈ ! હવે હું તમારી જોડે જ રહીશ.’ અલકે કહ્યું.

‘તમને બંનેને હું મારી સાથે રાખીશ. પછી આપણે ખૂબ આનંદ કરીશું.' ગૌતમે કહ્યું.

સુનંદા શંકિત દૃષ્ટિએ ગૌતમ તરફ જોઈ રહી. કેદખાનેથી છૂટેલા