પૃષ્ઠ:Chhayanat.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ : ૧૮૭
 

ગૌતમની બંનેને સાથે રાખવાની શક્તિ કરતાં લગનબંધનમાંથી બહાર નીકળી ભાઈને ઘેર જવાની તેની પોતાની શક્તિ વિશે એને વધારે શંકા હતી.

ગૌતમ જોઈ શક્યો કે આવા સઘન, સમૃદ્ધ ઘરમાં પણ તેની બંને બહેનો દુઃખી હતી. એકનો પત્ની તરીકે ઘરમાં હક્ક હતો; બીજી આશ્રિત ભલે હોય, છતાં રાવબહાદુરના મિત્રની દીકરી તરીકે પોષણ મેળવવાનો તેને હક્ક હતો ! પરંતુ માનવી ક્યાં હક્કને ઓળખે છે ? હક્ક સમજાતા હોય તો જગતમાં કેટકેટલી સરળતા થાય ?

એ જગતમાં ગૌતમ પાછો આવ્યો. એણે એક કડક નિશ્ચય કર્યો : માનવજાતને સુખી કરવાનું કાર્ય થયા કરશે. પ્રથમ તો બંને દુઃખી બહેનોને આ ઘરમાંથી છોડાવવી !

વાતોમાંથી તે સમજી શક્યો કે અનિલ સિનેમાની નટીઓ ભેગો ફરે છે, અને અલકની આ ઘરમાં બિલકુલ જરૂર જ રહી ન હતી. સુનંદા પણ આવા પતિને થોડો વખત વહેતો મૂકે એ જ ઇચ્છવા સરખું હતું.

'મને આ ઘરમાંથી હવે ક્યારે લેઈ જશો ?’ અલકે પૂછ્યું.

‘આપતી કાલ.’ ગૌતમે નિશ્ચપૂર્વક કહ્યું.

‘કાલ કેમ ?’

‘હું અત્યારે જ જઈને મકાન રાખું છું.’

‘એમ ?'

‘જરૂર, કાલ સવારથી આપણે ભેગાં.' કહી ગૌતમ ઊઠ્યો. એને ધૂન લાગી કે આ બહેનોને રાત વીતતાં તો બીજે ખસેડવી જ જોઈએ.

કશું ખાશો નહિ ?’ સુનંદાએ પૂછ્યું.

‘ના. હું શરદને ત્યાં ખાઈને આવ્યો છું.’

‘મારાં સાસુએ કહ્યું છે ને તમને જમાડવાનું ?’ સુનંદાએ સાસુની આજ્ઞા યાદ કરી.

‘અરે, રહેવા દે ને તારી સાસુને ! એ શું કહે છે અને શું કરે છે એ ભાઈ જાણે નહિ. એમાં જ સારું છે.'

આમ કશું જ ન કહીને અલકનંદાએ સુનંદાની સાસુ સંબંધમાં ખૂબ ખૂબ કહી નાખ્યું.

છૂટા પડવાનું જરાય મન નહિ તોય. ગૌતમ આવતી કાલના સુખને વિચારે બહેનો પાસેથી નીકળ્યો.

‘કાર ચાલી ગઈ ?' ગૌતમે બહાર બેઠેલા નોકરને પૂછ્યું.