પૃષ્ઠ:Chhayanat.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ : ૧૯૧
 

બહેનોનો સંતોષ અને પત્રકાર તરીકેની સત્તા !

પરંતુ એક માસની બેવફાઈ થાય તે ?

શાની બેવફાઈ ? એ લેખ ગૌતમ અંગત મત તરીકે ક્યાં લખવાનો હતો ? ગૌતમ નહિ તો બીજો કોઈ પણ પ્રચારક રાજ્યને તેમ જ કૃષ્ણદાસને ન મળે એમ ન હતું. ગૌતમના હાથમાં તો એ બધું મર્યાદિત રહેવાનું. પ્રજાવાદના કોઈ કટ્ટર વિરોધી પાસે એ કાર્ય જાય એના કરતાં ગૌતમ પાસે એ કામ આવે તો શું ખોટું ? ને ગૌતમ તો સંભાળીને જ લખવાનો.

અને એક માસમાં એવડો શો પ્રચાર થવાનો હતો કે જેથી- એના સિદ્ધાંતો - સાચા સિદ્ધાંતો ડગમગી જાય ? એક માસ પછી પલટી ખાઈ પ્રજાની ભાવના ઉપર એટલું બધું લખી શકાય કે પહેલાંની બધી અસર જ ભૂસાઈ જાય ! અરે, લખેલા લેખની ખબર લેઈ નાખતી સમાલોચના પછીથી લખવામાં કોણ એને રોકવાનું હતું ? વળી બીજા પત્રોમાં જરૂર સામી બાજુ બતાવી શકાય એવી સગવડ મળતી હતી.

ઉપરાંત, પ્રજાભાવનાની સામે થતી દલીલ તથા ફિલસૂફી કેટલે સુધી જઈ શકે છે એ પણ જાણી લેવું ઉપયોગી હતું. રજવાડાના માનસનો એથી અભ્યાસ થઈ શકે અને એના ઊંડાણમાં ઊતર્યા પછી એ રજવાડી વ્યવસ્થાને ઉખેડી નાખવાનાં વધારે બલપ્રદ સાધનો પણ જડી આવે !

દલીલની પાછળ સતત અલકનંદાનો આર્જવ અને સુનંદાની ભયભીત આંખ ગૌતમની કલ્પનામાં હાજર જ રહેતાં.

ગૌતમે બહેનોને ચિઠ્ઠી પણ લખી મોકલાવી : ઘર લીધાની તેમ જ બંને બહેનોએ ઘરનું વાસ્તુ કરવા આવવાની તેમાં ખબર આપી.

ન માનતા મનને મનાવી તે સૂતો અને કોઈ અગમ્ય સત્ત્વ ખડખડાટ હસતું સંભળાયું. ભયંકર સ્વપ્નોની તેને બીક પેસી ગઈ હતી. વર્તમાનપત્રો વર્ષોથી વંચાયાં ન હતાં. જાગૃત થઈ તેણે પત્રોનો થોકડો કાઢી જોવા માંડ્યો. પહેલા જ સમાચાર એ મળ્યા કે એક મહારાજાએ કૂતરાનાં લગ્ન કરાવ્યાં અને કોંગ્રેસ છોડી દીવાનગીરીમાં ઘૂસી ગયેલા પ્રધાનને લગ્નકાર્યના પુરોહિત બનાવ્યા. આ કાર્ય અંગે પ્રજાવર્ગને જમણ આપવાની જાહેરાત કરતાં પ્રધાને રાજપ્રજાની એકતા કેટલી ગાઢ બનતી હતી. તે ઉપર મોટું વ્યાખ્યાન પણ આપ્યું. સ્વદેશી હિંદની એ જ વિશિષ્ટતા. અલબત્ત, મહારાજા તો એવાં ભાષણોની કામગીરી પ્રધાનને સોંપી. નવી જ આવેલી નગ્ન ફિલ્મ જોવામાં રોકાઈ સ્વદેશી હિંદની વિશિષ્ટતા ઉપર ઓપ ચઢાવતા હતા.

આ રાજાઓ ! આ દીવાનો ! વધારે સમાચાર વાંચવાની ગૌતમને