પૃષ્ઠ:Chhayanat.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૪ : છાયાનટ
 

એમ હતું. હજી લેખ પ્રસિદ્ધ જ ક્યાં થયો હતો ?

દૂર અને નજદીક કૂતરાં ભસતાં હતાં. ગૌતમને લાગ્યું કે તે એક ખુલ્લા મેદાનમાં આવી ગયો છે. એક નીચી બેંચ ફરવા આવનારાઓ માટે સુધરાઈએ અહીં ગોઠવી હતી. પ્રેમીઓ તો જરૂર અહીં આવી બેસતાં હશે. ગૌતમ જેવી વ્યક્તિને ભાગ્યે એ બેંચે સ્થાન આપ્યું હોય ! ગૌતમ તે ઉપર બેઠો અને જરા હસીને સૂતો ! સમાજે - રાજ્યે - ન્યાયાસને ગુનેગાર ગણેલો ગૌતમ તલપૂર પણ ગુનેગાર ન હતો. એના જેવા નિર્દોષ માનવીઓને સમાજની ભયંકરતા ભરખી જાય છે ! સમાજની ભયંકરતાનો કંઈક ભાગ એણે જોયો. સમાજના સહકારમાં રહેલી ભયંકરતાનો અનુભવ ગૌતમને વધારે કુશળ લડવૈયો ન બનાવે ?

કૉન્ગ્રેસ છોડી ગયેલા પેલા રાજ્યના દીવાન રજવાડાના અનુભવ પછી સરસ કૉન્ગ્રેસસેવક ન થાય ?

એકેય એવો થયો છે ખરો ? અધિકાર ભોગવ્યા પછી કોઈએ આશ્રમ સેવ્યો છે ખરો ?’

શા માટે નહિ ? રાનડે, લઠ્ઠે...

કૂતરાં અશાંતિ ઉપજાવતાં હતાં. શા માટે એ કારણ વગરનું ભસતાં હતાં ? એની સંખ્યા ઘટાડી હોય તો...

ગૌતમનું મન ઊંઘમાં ઝબકોળાઈ નવીન સૃષ્ટિને ઝોલે ચઢ્યું.

કૂતરાંની સંખ્યા ઓછી થવાને બદલે વધ્યે જ જતી હતી ! બાબાગાડી લેઈ ફરતી આયાઓ અને યુરોપિયન યુગલો આગળ નાનકડાં કુરકુરિયાં ગેલ કરતાં દોડ્યે જતાં હતાં. !

એલ્સેશિયન, બુલ, ટેરિયર... ગૌતમને તો કૂતરાંનાં નામો પણ પૂરાં આવડતાં નહિ. એ પણ રખવાળો સાથે મેદાનમાં પોતાની પ્રતિભા પાડતાં હતા.

વણઝારી, જાફરા, ગુરુજી... એ સહુ હતા.!

કૂતરાંનું કોઈ મહા પ્રદર્શન ભરાતું હતું શું ? શરતો રમવાની હતી કે સર્કસ થવાનું હતું ?

કોઈને ગળે સોનાનો પટો, કોઈને ગળે રૂપાનો પટો, કોઈને ગળે ચામડાનો પટો અને કોઈને ગળે માત્ર દોરી કે સાંકળી જ હતી. કોઈ કોઈને માથે વળી કલગી પણ ઝૂલતી.

છતાં મોટાં ભાગનાં તો નધણિયાતાં ટાયલાં જ હતાં. ! પૂંછડી પગ વચ્ચે નાખી ચીઢિયા ચિત્કાર કે ટ્યાહુ ટ્યાહુ ચીસો પાડતાં નાસતાં ભાગતાં