પૃષ્ઠ:Chhayanat.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ : ૧૯૫
 

રહેવાનું જ કાર્ય તેમને સોંપવામાં આવ્યું હોય એમ લાગતું હતું.

કેટલાક હૃષ્ટપુષ્ટ ડાધિયાઓ ઉપર રેશમ કે ઝીકના ઓઢા પણ ઓઢાડેલા હતા. તેમની આંખો ચકોર અને મુખમુદ્રા માન ઉપજાવે એવી ગંભીર હતી. માલિકનો હાથ અડતાં, અલબત્ત, તે માલિકના પગ પાસે જમીન ઉપર આળોટી પડતા હતા.

ગોરા સાહેબોને હાથ પકડાયલી સાંકળવાળા રૂપાળા શ્વાન પોતાની શ્રેષ્ઠતાનું ભાન સહુને કરાવતા હતા. ડાહ્યા હો તો અમારો માર્ગ પકડો એવી શિખામણ તેમની મુખમુદ્રામાંથી સદાય નિષ્પન્ન થતી. અને તે કેટલા ? સેંકડો ? હજારો ? લાખો ? કરોડો ?

અરે નહિ. કરોડોની સંખ્યામાં તે ઊભરાયે જ જતા હતા.

પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ! જ્યાં નજર પડે ત્યાં શ્વાનની અગણિત લંઘાર !

જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની !

એ કડી આ શ્વાનજગતને જોયા પછી તો નહિ રચાઈ હોય ?

સોટી, ચાબુક, થપાટ કે ગાળ ખાતા આ મહા મંડળમાં જાહેર પ્રેમીઓની સંખ્યા પણ ઓછી ન હતી. પછી સંખ્યા ઘટવાનો ભય આ પ્રેમી જગતમાં હોય જ નહિ.

કદી કદી ટોળે વળી મિલ બાંધી એ અંદર અંદર બથ્થંબથ્થા અને બચકંબચકા પણ કરી ઊઠતાં ! એટલી જાગૃતિ તો જોઈએ જ ને ? નહિ તો જીવતું જીવન કામનું શું ? છતાં બેચાર પથ્થર ફેંકાતાં તે ચારે પગે - કે વાગ્યું હોય તો ત્રણ પગે સલામત જગાએ દોડી પણ જતાં.

પરંતુ પેલા શિકારી શ્વાન ! મહા ભયંકર જીભ બહાર કાઢી ભયંકર ચેષ્ટાઓ દર્શાવતા એ કેમ ધસી આવતા હતા ?

કેવા પંજા તેઓ ઉપાડે છે ?

મારી નાખશે !

હા.. હા... હા... હા...

વાતાવરણ અટ્ટહાસ્યથી ગાજી રહ્યું. શ્વાનજગતના આકાશમાં ભયાનક રાક્ષસી પડછાયો ઊડી રહ્યો.

‘અરે, અરે, આને કોઈ અલોપ કરો !’ ગૌતમ પુકારી ઊઠ્યો.

‘અલોપ ! આર્યાવર્તને - હિંદુસ્તાનને રસાતળ ન મોકલું ત્યાં સુધી હું અહીં ઊડ્યા જ કરીશ.’

‘ભલે ઊડ્યાં કર, પણ...'