પૃષ્ઠ:Chhayanat.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૧૩
 


વિદ્યાર્થીઓનો પ્રથમ ધસારો વિજયસૂચક હોય છે. તેમનો ઉત્સાહ તેમને પ્રથમ હલ્લામાં લાંબે સુધી લઈ જાય છે. વાંચનનો કંટાળો, મોજ, ગમ્મત, તોફાન, દેખાવ, ઉગ્રતા, પુણ્યપ્રકોપ, ધ્યેય એ સર્વ તત્ત્વો આવી હડતાલમાં ભાગ ભજવે છે. ધ્યેય ઘણા ઓછાને હોય છે, પુણ્યપ્રકોપ માટેની તાકાત દિનપ્રતિદિન ઘટતી જાય છે, ઉગ્રતા ઓસરી જાય છે, દેખાવ બદલી શકાય છે. તોફાન, ગમ્મત અને મોજ એ મુદ્દ્તી લાગણીઓ છે; નિત્યના સ્થાયીભાવ એ કહેવાય નહિ. અને વાંચનનો કંટાળો એ સ્થાયીભાવ હોવાથી હડતાલમાં તેમ જ હડતાલ વગર પણ એ પોતાનો સ્વતંત્ર ભાવ ભજવી શકે છે. એટલે પહેલે ધસારે વિજયની હાક પાડી રહેલા વિદ્યાર્થીઓ બીજે દિવસે શાંતિના માર્ગ તરફ પગલાં માંડે છે. હડતાલની ઉતાવળ તેમને ત્રીજે દિવસે સમજાય છે; હડતાલના કારણનું મહત્ત્વ ચોથે દિવસે ઓછું થતું લાગે છે; અભ્યાસ માટે પાંચમે દિવસે પ્રેમ ઊપજવા લાગે છે. હડતાલના આગેવાનોની ઉદ્ધતાઈ પ્રત્યે છઠ્ઠો દિવસે અણગમો ઊભો થાય છે; અને સાતમા દિવસે પ્રિન્સિપાલે કરેલી ધમકીભરી વિનંતિને માન આપવાની લાગણી પ્રબળ બને છે.

‘ગૌતમ ! વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ પાસે જવા માંડ્યું.’ અરવિંદે કહ્યું.

‘હું જાણતો જ હતો, માટે મેં હડતાલની ના પાડી હતી.' ગૌતમે કહ્યું.

'અને ઘણા છોકરાઓએ માફીપત્ર લખી આપવાની ચળવળ આપણી પાછળ શરૂ કરી છે.’

‘હિંદના વિદ્યાર્થીઓ બીજું શું કરશે ?'

'પણ તને તો કૉલેજમાંથી કાઢી મૂકવાનો છે. પ્રિન્સિપાલ અને આગેવાનો વચ્ચે આટલી બાબત ઉપર સમાધાન થતું નથી.’

‘આગેવાનો ! સમાધાન ! હું !' ગૌતમ હસ્યો - ભારે તિરસ્કારપૂર્વક.

'તને ખબર પડી, કોણે પ્રિન્સિપાલને આપણા મંડળ વિષે વાત કરી હતી તે ?'

‘કોઈના કહ્યા વગર તો એ બને જ નહિ. એ ચાડિયાઓનાં નામ નહિ જાણીએ તોય શું ?’

‘ત્ર્યંબક, મીઠાજી, કાવસ અને ઉસ્માન એ પ્રિન્સિપાલ સાહેબના જાસૂસ છે. તેમણે આપણી ચળવળ ઉઘાડી પાડી.'

‘જાણે આપણી ચળવળમાં કશી ભયંકરતા હોય ! રશિયાએ પુનર્ઘટના કેમ કરી એની વિગત જોવા સમજવામાં પણ ગુનો થઈ જાય એવું