પૃષ્ઠ:Chhayanat.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪: છાયાનટ
 

માનનાર માનસ કેમ ચલાવી લેવાય ?’

‘તો પછી તું શું કરીશ ?’

‘મારે આગળ ભણવું જ નથી. બી.એ.થી આગળ જવામાં શો અર્થ? અને જે કૉલેજમાં પ્રિન્સિપાલ પ્રેરિત જાસૂસી ચાલતી હોય એ કૉલેજના ભણતરથી મારું કે તારું શું વળે એમ છે ?’

કૉલેજના કમ્પાઉન્ડમાં આવેલા એક વિશાળ વડની ઘટા નીચે છ વિદ્યાર્થીઓ બેસી વાતો કરતા હતા. વિદ્યાર્થીઓનાં ટોળાં મેદાનમાં પાસે ફરતાં હતાં. નવા નવા આગેવાનો સાથે મસલતો થતી અને અભેદ્ય કિલ્લા સરખી પ્રિન્સિપાલની કચેરીમાં વિધિપૂર્વક મસલતો લેઈ જવામાં આવતી. ગૌતમ લગભગ ભુલાઈ ગયો હતો, અને જ્યારે જ્યારે તેને યાદ કરવામાં આવતો ત્યારે તેની ભૂલો, ઉદ્ધતાઈ અને આગેવાન બનવાના લોભને આગળ કરવામાં આવતો.

પ્રિન્સિપાલ અને આગેવાનોએ સમાધાની માટે એક શરત કરી; વિદ્યાર્થીઓએ હડતાલ પાડવા બદલ માફી માગવી.

હડતાલ કયા કારણે પાડી, એ કારણ ન્યાયભરેલું હતું કે કેમ, એ બધા પ્રશ્નો ઊભા કરવાની વિદ્યાર્થીઓને સત્તા કે સમજ હોવી જ ન જોઈએ. એવી પ્રિન્સિપાલ તથા આગેવાનોની માન્યતા દેખાઈ.

‘હડતાલ પાડી જ કેમ ?’ એ મહાસૂત્રનો ઉચ્ચાર કરતા પ્રિન્સિપાલે જાણ્યું કે વિદ્યાર્થીઓ માફી માગવા તૈયાર છે એટલે તેમણે બીરબલ અને ચાણક્યની યાદ આપે એવી ચતુરાઈ વાપરી કહ્યું : ‘પણ એ માફી બિનશરતી હોવી જોઈએ.’

માફી માગનારાઓ કાંઈ શર્ત કરવાના છે એવી માગણી જરાય થઈ ન હતી. છતાં વિજેતાનું માનસ દર્શાવતા પ્રિન્સિપાલે બિનશરતી માફીની શરત મૂકી.

વિદ્યાર્થીઓ પ્રથમ તો ચમક્યા. વાતચીતમાં પ્રિન્સિપાલે નિર્ર્વૈર રહેવાનો ભાસ આપ્યો હતો. એટલે ભોળા વિદ્યાર્થીઓએ માફી માગવા કબૂલ્યું. પણ બિનશરતી માફીમાં ગૌતમ ઉપર અત્યાચાર ન થાય એની સંભાળ લેવાનો માર્ગ રહેતો ન હતો.

ચર્ચા અને દલીલોમાં પ્રવીણ સમાધાનીઓએ વિદ્યાર્થીઓને સમજાવ્યા. માફી બિનશરતી માગવી, પરંતુ વિદ્યાર્થીઓએ પોતાની કશી માગણી હોય તે વિનંતિ રૂપે રજૂ કરવી એમ ઠર્યું.

‘એ કાંઈ ચાલે નહિ. વિનંતિનો અર્થ હું સમજું છું. જિંદગી ભર મેં