પૃષ્ઠ:Chhayanat.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૧૫
 

વિદ્યાર્થીઓ ઘડ્યા છે. એમના ચાળાથી હું અજાણ નથી. બિનશરતી માફી પહેલી; પછી કૉલેજમાં હાજરી, અને એમની વિનંતિ શી તે હું ન સમજું એવો મૂર્ખ નથી. એ મારા ઉપર છોડી દો.’

'હવે સાહેબ ! એ જતું કરો ને ? માફીપત્રમાં વિનતિ આવે તો શી હરકત છે ? એ સ્વીકારવી ન સ્વીકારવી તમારા હાથમાં જ છે.' એક આગેવાન શહેરીએ કહ્યું.

‘મારો નિર્ણય છેલ્લો છે.’

'જુઓ, કોઈ દિવસ અમારો પણ ખપ આપને પડશે. અમારું કહેવું માનો અને વિદ્યાર્થીઓ ઉપરનો રોષ ઓછો કરો.'

‘રોષ ? મને ? વિદ્યાર્થીઓ પ્રત્યે ?' પ્રિન્સિપાલ સાહેબે આશ્વર્ય બતાવ્યું.

જે વિદ્યાર્થીઓનું ખરુંખોટું ભણતર પ્રન્સિપાલ સાહેબને રોટલો જ નહિ પણ બંગલો-મોટર આપી રહ્યું હતું, તે ભણતર મેળવતા શિષ્યો પ્રત્યે તેમને રોષ હોય જ નહિ !

‘પત્રોમાં આવતા આક્ષેપો તો આપ વાંચતા જ હશો.' સમાધાની ગૃહસ્થે કહ્યું.

‘પત્રો ? એ તો લાંચિયાં કારખાનાં છે. એમના આરોપોને તો હું ખિસ્સામાં મૂકી દઉં છું.’

સત્તાના ચોથા અંગ તરીકે ગણાતાં વર્તમાનપત્રો માટે પ્રિન્સિપાલ સાહેબ હિંદી અમલદારશાહી સરખો જ મત ધરાવે એમાં નવાઈ ન કહેવાય.

‘મને બીક બતાવ્યા વગર બધી વાત કહી શકાશે. હું દલીલ અને વિનંતિનો વિચાર જરૂર કરી શકું, ધમકીનો નહિ.’ પ્રિન્સિપાલ સાહેબે ફરતી ખુરશી જરા ફેરવી કહ્યું.

સમાધાની ગૃહસ્થોએ વિદ્યાર્થીઓના આગેવાનોને મળી એક વખત પ્રિન્સિપાલ સાહેબનું માન રાખવા આગ્રહ કર્યો. કૉલેજ બંધ થાય, ટર્મ જતી રહે, અભ્યાસમાં હરકત આવે, વર્ષ બગડે, માબાપના પૈસાની બરબાદી થાય, ભવિષ્ય ઉજ્જડ થઈ જાય, વગેરે કારણો આપી વિદ્યાર્થીઓને બિનશરતી માફી લખી આપવા તેમણે અસરકારક સમજૂત કરી. વિનંતિનો મુસદ્દો પણ પ્રિન્સિપાલ સાહેબે પસંદ કરી સમાધાનીઓ પાસે આપેલો જ હતો. ઘણા વિદ્યાર્થીઓએ ડહાપણનો માર્ગ સ્વીકાર્યો અને સહીઓ કરવાનું કબૂલ કર્યું. આ પહેલાં વગર સહીએ વર્ગમાં કંઈક