પૃષ્ઠ:Chhayanat.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦: છાયાનટ
 

પણ આપણો એક સિદ્ધાંત છે. માટે જ આપણે કામની વહેંચણી કરી લીધી છે.' ગૌતમે કહ્યું.

છએ મિત્રોએ ગૌતમની સૂચના અનુસાર કામ વહેંચી લીધું હતું. અરવિંદે આઈ. સી. એસ.ની પરીક્ષા પસાર કરી આખી નોકરશાહીને સમાજવાદી બનાવવા મથવાનું હતું; રહીમે વકીલાતમાં પડી મુસ્લિમ કોમને યુક્તિ પુર:સર સમાજવાદ સાથે ભેળવી દેવાની હતી. શરદે પોતાના પિતાનાં જ કારખાનાંને સામ્યવાદી પ્રયોગનાં સાધનો બનાવવાનાં હતાં. દીનાનાથ અખાડાઓ ઊભા કરી સર્વ યુવાનોને બળવાની શારીરિક તાલીમ આપવાનો હતો. નાગેન્દ્ર વિજ્ઞાનનો આશ્રય શોધી એક એવો પદાર્થ રચવાનો હતો કે જેની સામે આખા જગતનાં સૈન્યો નિરર્થક થઈ પડે. મૃત્યુકિરણ (Death-Ray) ઉપરનો તેનો અભ્યાસ કોઈ પણ પ્રોફેસરને શોભે એવો હતો. નિશા સ્ત્રીઓના પ્રશ્નને હાથ ઉપર લેવા અધીરી બની હતી, સ્ત્રીઓને સમજાય એવી ઢબે સમાજવાદ શીખવવાની તેણે ભારે તૈયારીઓ પણ કરી હતી. કલાને મોખરે પણ તેણે ઊભા રહેવાનું હતું.

ગૌતમ સહુને દોરતો, સહુને સંકલિત કરતો છૂપો (underground) બૌદ્ધિક અને સાંસ્કૃતિક મોરચા ઉપર લડતને લઈ જઈ એક મુખપત્ર દ્વારા મથક (head-quarters)ને સાચવી રાખવા માટે યોજાયો હતો. છએ જણમાં સમાજવાદ માટે રસ ઉત્પન્ન કરનાર પ્રેરણાઝરણ ગૌતમ હોવાથી ગૌતમ પ્રત્યે સહુને શ્રદ્ધા હતી અને તેને અનોખું સ્થાન આપી આર્થિક ચિંતામાંથી દૂર રાખવાની યોજના છએ જણ ક્યારનાંયે વિચારી રહ્યાં હતાં. આજ એ યોજના સ્વરૂપ પકડતી હતી.

પરંતુ એ યોજનામાં ગૌતમને અત્યારે અવિશ્વાસ ઊપજ્યો.

‘તમે બધા મને તમારો આશ્રિત ધારો છો કે શું ?’

સહુ ચમક્યાં.

'તું શું કહે છે ?' અરવિંદે પૂછ્યું.

‘તમે બધાં મને રોજી આપો અને હું મારો ગુજારો ચલાવું, એમ ?’ ગૌતમે કહ્યું.

‘આ તું અમને અન્યાય કરે છે !’ શરદે કહ્યું.

‘આજ નહિ તો ભવિષ્યમાં મને તમારો ભિક્ષુક બનાવી રાખવાની આ યોજના છે.' ગૌતમે વધારે સ્પષ્ટતા કરી.

‘અરે, જહાન્નમમાં ગઈ તારી મૅચ ! અરવિંદ, ગમે તે થાય તો પણ હું ગૌતમ વગર કૉલેજમાં જવાનો નથી. બસ ?’ રહીમે જુસ્સાથી કહ્યું.