પૃષ્ઠ:Chhayanat.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


પિતાને અને પુત્રને સંબંધ નથી એમ કહેવામાં શું સચ્ચાઈ હતી ? રાજા અને રૈયત, ગુરુ અને શિષ્ય, માલિક અને નોકર તથા પતિ અને પત્ની વચ્ચે સંબંધ નથી એમ કહેવામાં કદાચ સચ્ચાઈ હોય, પરંતુ પિતા અને પુત્રની સંકલનાને અમાન્ય કરવામાં આખા જીવનને અમાન્ય કરવા જેવું બને !

અલબત્ત બાહ્ય દૃષ્ટિએ બંને વચ્ચે કશો જ સંબંધ દેખાતો નહિ. ગૌતમના પિતાએ હાસ્યજનક પાઘડી પહેરી હતી. ગૌતમ કદીયે પાઘડી પહેરવાનો ન હતો; એને માથે ટોપી પણ ન હતી. પિતાએ ચારે છેડે ધોતિયું પહેર્યું હતું. ગૌતમને પહોળા લેંઘા સિવાય બીજું કાંઈ પહેરતાં આવડતું જ નહિ. ગૌરવ વધારનારું પિતાએ પહેરેલું અંગરખું ગૌતમને નાટકના રાજા જેવું લાગતું હતું; કફની સિવાય તે બીજું કાંઈ પહેરતો જ નહિ. અને દુપટ્ટો ! એનો ઉદ્દેશ ગૌતમને કદી સમજાયો નહોતો. પુરુષના મુખને પૌરુષ આપતી પિતાની મૂછો ગૌતમને મન જૂના જમા નાનો પડછાયો હતી. બંને વચ્ચે કશો જ સંબંધ દેખાતો ન હતો.

છતાં પણ પિતાની આંખમાંથી વહેતી કિરણાવલિ ગૌતમને આકર્ષી રહી.

'તું બેચાર દિવસ મારી સાથે આવ...' પિતાએ કહ્યું.

‘ત્યાં આવીને હું શું કરીશ ?’

‘તારી બહેનોને મળાશે, મનને શાંતિ રહેશે અને પ્રિન્સિપાલનો રોષ એટલામાં ઊતરી જશે.'

‘મોટાભાઈ, પ્રિન્સિપાલના જૂઠા રોષને આપણે સહુએ બરદાસ્ત કરવાનો, ખરું ?'

‘મોટા માણસ છે, હાથમાં સત્તા છે. એમની મરજી જોઈને કામ તું ન કરે તો સજા પણ કરે !’

‘મોટા માણસ ?’ ગૌતમની આંખમાંથી તિરસ્કાર વરસી રહ્યો. હિંદમાં ગરીબોનું ભક્ષણ કરતો મોટા માણસોનો એ નીચ વર્ગ જેમ વહેલો અદૃશ્ય થાય તેમ વધારે સારું, એવો ભાવ એના તિરસ્કારમાં સૂચવાયેલો હતો.