પૃષ્ઠ:Chhayanat.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૨૫
 

બણગાં ફુંકે છે ! તમે નોકરી જ છોડી દો તો ?’

‘શી રીતે છોડાય ? સિત્તેરનો પગાર હમણાં થયો. એમાંથી તારા ત્રીસ - પાંત્રીસ જાય. બાકી રહે તે વડે હું અને તારી બહેનો ચલાવીએ. તારી માએ તો ગુજરી જઈને પોતાના પૂરતા ખર્ચમાંથી મને બચાવી લીધો; પણ એટલુંયે ન હોય તો શું કરવું ?’

‘આવી નોકરી કરવા કરતાં ભૂખે મરવું ઠીક નહિ ?’

‘કરી જોજે કોઈ વાર. આજ તો એ પ્રશ્ન નથી. ચાલ હવે. તારે ઓરડી ઉપર જવાની પણ જરૂર નથી. સીધા ગાડીએ જ બેસીએ. દોઢ કલાકમાં ગાડી ઊપડશે.'

શું કરવું એની ગૌતમને તત્કાળ સમજણ પડી નહિ. પ્રિન્સિપાલે ગૌતમને કાઢી મૂક્યો એટલે વિદ્યાર્થીઓએ હડતાળ પાડી. ગૌતમને કચરી નાખવા તેમણે ગૌતમના પિતા ઉપર પણ સરકારી દબાણ આણ્યું. સરકારી દબાણ આવ્યું અને પિતાને ભૂખે મારવાની ધમકી અપાઈ. પિતામાં ભૂખે મરવાની તાકાત હતી એ ગૌતમ જાણતો હતો, પરંતુ પોતાનાં બાળકોને ભૂખે મારવાની કઠણાશ તેમણે કેળવી ન હતી. અને કોઈ પણ સામાન્ય પિતા જે સંજોગોમાં પુત્રને ધમકાવી તેની ખબર લઈ નાખે તે સંજોગોમાં આ પિતા પુત્રને સમજાવતા પટાવતા હતા !

કોણ મોટું ? હજારોનો પગાર ખાઈ વિદ્યાર્થીઓને ઘડવાનો નિષ્ફળ દાવો કરતો પ્રિન્સિપાલ કે ગુનો - સાચો કે ખોટો - કરી રહેલા પુત્રને પાળવા જીવનભર મજૂરી કરી રહેલો એક અર્ધ ભણેલો પિતા ?

અને યુરોપનાં રાજ્યો જેવડા પ્રાંતો ઉપર હાકેમી કરવા માટે લાખોનો પગાર લૂંટી જઈ હાથ નીચે કામ કરનારને તાબેદારીનું અસહ્ય ભાન કરાવનાર હાકેમ મોટો કે બાળકોના પાલન માટે ધમકી સહી લેતો એક ગરીબ પિતા મોટો?

બાળપણમાં ગોખેલી કવિતા ગૌતમને યાદ આવી :

' ગુરુને બાપસમા ગણો. '

કયા ગુરુને બાપ સમાન ગણવાનું મન થાય એમ હતું ? એકડિયા કે બાળપોથી શીખવતા શિક્ષકથી માંડીને કૉલેજના પ્રિન્સિપાલ સુધીની ગુરુપરંપરા તેણે યાદ કરી. પ્રાથમિક કેળવણીવાળા બેત્રણ શિક્ષકો સદ્દભાવશીલ હતા ખરા; ગુજરાતની હાઈસ્કૂલોના જૂના વિદ્યાર્થીઓમાં એક પારસી ‘વાડિયા માસ્તર’ના નામે હજી માનસિક નમન થતું તેને યાદ આવ્યું. પણ કૉલેજના પ્રોફેસરો-પ્રિન્સિપાલોમાંથી...? ઉચ્ચ કેળવણી