પૃષ્ઠ:Chhayanat.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એ રેલગાડીમાં જીવંત ચિત્રો રચાતાં હતાં. હિંદના આર્થિક ઉદ્ધારમાં અતિ મહત્ત્વનો ભાગ ભજવતી પરદેશી કંપનીઓની રચેલી એ રેલગાડી ગુલામોને ઘસડી એક સ્થળેથી બીજે સ્થળે ફેંકવાનું સામાજિક કાર્ય કર્યે જતી હતી. પહેલા, બીજા અને ત્રીજા, એમ ત્રણે વર્ગમાં ગુલામો જ હતા !

ગૌતમે સ્ટેશન પહોંચી બે ટિકિટો લીધી. થર્ડ ક્લાસ વેઈટિંગ રૂમમાં ગોઠવાયલી ટિકિટ ઓફિસ, ફળ, ચવેણાની દુકાનો, ચાની મોટી હૉટલ અને સિપાઈઓએ રોકેલા બેત્રણ બાંકડા, ‘વેઈટિંગ રૂમ'ના નામને હસતાં, ત્રીજા વર્ગના ઉતારુઓ દ્વારા ગરીબ હિંદનું અપમાન કરી રહ્યાં હતાં. સ્વતંત્ર હિંદ આ વેઈટિંગ રૂમને ચલાવી લે ખરી ? સેકન્ડ ક્લાસ, ફર્સ્ટ ક્લાસના દરવાજા શાહુકારો માટે અને ત્રીજા વર્ગના દરવાજાઓ ગુનેગારો માટે રચાયા હોય એમ લાગતું હતું. જ્યાં થોડાં માણસો ત્યાં દરવાજા ફટાબાર ઉઘાડા, પરંતુ જ્યાં માણસોની ખૂબ ભીડ ત્યાં દરવાજો અડધો બંધ ! ધક્કા-મુક્કી અને ગાળાગાળી સાથે દરવાજા બહાર નીકળવાનું સદ્દભાગ્ય ત્રીજા વર્ગના ઉતારુઓને પ્રાપ્ત થાય ત્યારે પ્લેટફૉર્મ ઉપર હાલવા ચાલવાનો તેમને અધિકાર મળે. બેઠકો મોટે ભાગે ફર્સ્ટ અને સેકન્ડ ક્લાસના ઉતારુઓ માટે જ નોંધાઈ ગયેલી હોય ! બાકીની એકબે ‘ઓરતો.' માટે. ત્રીજા વર્ગ માટેના બાંકડા શોધતાં આખી રાત વીતી જાય; અને છતાં તે જડે જ નહિ ! પિતાપુત્રે બેસવાની જગા ન હોવાથી એક સ્થળે ઊભા રહેવાનું પસંદ કર્યું. દીવાના પ્રકાશમાં સ્ટેશન કોઈ અજબ સંસ્કૃતિમિશ્રણ બની ગયું હતું.

એક જ પ્રકાશિત દીવે - એક જ ઝગમગતી આાંખે, કંપનીએ નફાનું ત્રીજું નેત્ર ઉઘાડ્યું હોય એમ એક જ માર્ગ જોતી ગાડી ધમધમ કરતી આવી ઊભી, અને જાણે સૃષ્ટિને માથે આફત ઊતરી આવેલી હોય એમ કોલાહલ શરૂ થયો. ગૌતમ અને તેના પિતા વિજયરાયે સામે આવી ઊભા રહેલા ડબ્બામાં પેસવાનો પ્રયત્ન કર્યો. પરંતુ અંદરથી પેટીઓ અને પોટલાં સાથે માણસો બહાર ફેંકાતાં હતાં અને તેમને ધક્કા મારી અંદર ઘૂસી જવાની તીવ્ર અભિલાષાવાળાં માનવીઓ ડબ્બામાં ગમે તેમ કરી પેસી જતાં હતાં. આવી અશિષ્ટ ધક્કામુક્કી કરાવતી ગાડીની અવ્યવસ્થા કરતાં પગે ચાલી મુસાફરી કરવામાં સ્વમાન વધારે સચવાય કે નહિ એનો વિચાર કરતાં