પૃષ્ઠ:Chhayanat.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૩૫
 

ઉતારુઓની હાલાકી નિષ્ઠુરતાથી ચલાવી લેનાર કંપની તથા કંપનીના નોકરવર્ગની હૃદયહીનતા, અને વૃદ્ધ સ્ત્રી કે બાળક ઉતારુઓને સંકોડાતાં ભિડાતાં રાખી પાંચ માણસની કાયદેસર જગા રોકી રાખતા એક જ માનવીની શિરજોરી ! એને ડગલે પગલે અન્યાય દેખાયો, અને એ અન્યાયની સામે થવા એણે કમર કસી. પરંતુ જેને માટે એ ઝૂઝતો હતો તેમાંથી કોઈને પણ એની ન્યાયપરાયણતાની જરૂર લાગી નહિ.

‘જગા અમને ન મળી, પણ એમાં ભાઈ, તારે શું ? ચોથો ઉતારુ ગૌતમ ઉપર તૂટી પડ્યો. એટલું જ નહિ, પણ ગૌતમ જાણે ગુનેગાર હોય અને એણે આખી રેલગાડીની શાંતિનો ભંગ કર્યો હોય એમ એકેએક ઉતારુ તેનો દુશમન બની ગયો દેખાયો.

‘લખી લો એનું નામ.’ પાંચમા ઉતારુએ કહ્યું.

‘સાંકળ ખેંચ્યાનો દંડ પણ ભરાવો.' છઠ્ઠાએ કહ્યું.

ગૌતમને થયું કે આ નાલાયક, અન્યાયસહિષ્ણુ જાતને માટે ઝૂઝવામાં કશો જ અર્થ ન હતો. સાચા ગુનેગાર બે : રેલ્વે કંપની અને ગુંડાગીરી કરી સૂઈ રહેલો પેલો મજબૂત માણસ. એ માણસ અત્યારે હસી રહ્યો હતો. તેની ખાલી પાટલી ઉપર હજી કોઈએ બેસવાની હિંમત કરી ન હતી, અને રેલવે નોકરો પણ વાતને ભૂલવા-ભુલાવવા માગતા હતા. વળી એ ગુંડાનો પણ દોષ કેમ કહેવાય ? માનવીનો દેહ આરામ માગે. રાત્રે તો આરામ માગે જ, અને તે પણ ત્રીજા વર્ગની મુસાફરીમાં તો ખાસ કરીને. એ ન્યાયસરનો આરામ મળવાની સગવડ કાયદેસર મળે જ નહિ, તો તે ગેરકાયદે મેળવી લેવામાં ગુંડાનો ગુનો કેમ ગણાય ?

‘નામ લખાવો !’ રેલ્વે નોકરે કહ્યું.

'ગૌતમ..' ગૌતમે કહ્યું.

રેલ્વે નોકરે તેની સામે જોયું. એ અર્ધ અભણ માનવી સ્ટોલ ઉપરના વર્તમાનપત્રો કદી કદી વાંચતો હતો. કૉલેજની હડતાળને અંગે એણે ગૌતમનું નામ સાંભળ્યું હતું, અને તે તેના વાંચવામાં પણ આવ્યું હતું.

‘પેલા કૉલેજની હડતાળવાળા કે ?’ તેણે પૂછ્યું.

'હા જી.'

‘અહીં પણ તોફાન મચાવવું છે ?’

‘જ્યાં જ્યાં અન્યાય લાગશે ત્યાં ત્યાં હું ભયંકર તોફાન મચાવીશ.’ ગૌતમે કહ્યું.

‘પચાસ રૂપિયા આપી દો.’