પૃષ્ઠ:Chhayanat.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૩૭
 

એનાં પરાક્રમ અને એની ચાલાકીની સાચીખોટી વાત એ માણસને કથાના નાયક સરખું મહત્ત્વ આપતી હતી. જોકે બહુ થોડા માણસોએ એને જોયો હતો.

‘અરે જવા દે યાર ! ગાડી ચાલ્યા પછી હું એકએક સ્ત્રીબાળક માટે જગા કરી આપત.' કીસને કહ્યું.

‘જવા દેવાની વાત જ નહિ ! તમે હવે કોઈને તમારી પાટલી ઉપર બેસવા દેશો તો હું તમારી સાથે ફરી લઢીશ.’ ગૌતમે કહ્યું.

કીસન હસ્યો. ગૌતમનો હાથ ખેંચી તેણે તેને પાસે બેસાડ્યો. ગૌતમના પિતા હજી દૂર ઊભા જ રહ્યા હતા. તેમને પણ કીસને પાસે બોલાવી નમસ્કાર કરી પોતાની પાટલી બતાવી કહ્યું : 'વડીલ, આરામ કરો. કશી હરકત નથી.’

'તમારી જગા...'

‘મને તો માગીશ ત્યાં જગા મળશે. કાંઈ કારણ હતું માટે હું અહીં સૂતો. ઉજાગરાની તો મને ટેવ જ છે.' કહી કીસને કાળજીપૂર્વક વિજયરાયને પાટલી ઉપર બેસાડી પોતાની પથારીમાં જ સુવાડ્યા.

ગુંડાની લાયકાત અને નાગરિક તરીકે પ્રતિષ્ઠા ભોગવતા મુસાફરોની અપાત્રતા જોઈ ગૌતમને કીસન પ્રત્યે ક્યારનોય સદ્ભાવ ઊપજ્યો હતો. થોડી ક્ષણ પહેલાં જેની સાથે જીવ સટોસટની મારામારી તે કરી રહ્યો હતો તેની જ સાથે મૈત્રી કરવાનું તેને મન થયું. કૉલેજનાં શિક્ષિત જંતુઓ અને મુસાફરી કરતાં સમાજનાં પ્રતિષ્ઠિત જંતુઓ વચ્ચે એને બહુ ફેર ન લાગ્યો. શિક્ષિત કૉલેજિયનોએ પાછળથી દલીલો કરી પોતાના મનને મનાવી લીધું; પ્રતિષ્ઠિત મુસાફરોએ પહેલેથી જ ગુંડાને સ્વીકારી લેઈ પોતાનું રેલ્વેજીવન નિશ્ચિત કરી નાખ્યું. જંતુઓ તો બંને !

અને કીસન ગુંડો તથા પ્રિન્સિપાલ વચ્ચે કાંઈ તફાવત ખરો ? પ્રિન્સિપાલ પણ લઢીને મિત્ર બનવા મથતા હતા; કીસને પણ તેમ કર્યું ! એકની પાસે ધન અને સત્તા હતાં : પ્રતિષ્ઠાભર્યાં, ખુલ્લા અને સહુનો સ્વીકાર પામેલાં બીજા પાસે શારીરિક બળ હતું : પ્રતિષ્ઠાભર્યું ભલે ન હોય તોપણ તે ખુલ્લું અને સહુ પાસે સ્વીકાર કરાવે એવું સ્પષ્ટ. નમૂનાઓમાં સારો નમૂનો કયો ? ધન કે બળ પશુવૃત્તિ ઉપર આધાર રાખી રહેલી ક્રૂર સંસ્કૃતિનાં જ એ બંને ફળ ! બંને નમૂના સરખા.

‘હડતાળ છોકરાઓએ બંધ કેમ પાડી ?' કીસને એકાએક ગૌતમને પૂછ્યું.