પૃષ્ઠ:Chhayanat.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦: છાયાનટ
 

નસાડવા માટે દસ નહિ પણ એક જ તાલીમબાજ બસ થશે.'

‘પ્રસંગ આવ્યો ખબર પડે.'

‘પ્રસંગ તો બહુ આવી ગયા. પણ વિદ્યાર્થીઓની જુવાની જ ગીરોવેચાણ થઈ ગઈ છે ને ! પ્રસંગ આવે ત્યારે મને યાદ કરજે.'

‘પણ આવા શારીરિક ઝઘડાથી શું વળે ? આજ તો બુદ્ધિની જરૂર છે.'

‘બુદ્ધિ ? બુદ્ધિ તો હિંદુસ્તાને ક્યારની વેચી ખાધી ! તું બહુ બુદ્ધિવાન ! પરંતુ તું અહીં મારી સામે થયો ન હોત તો હું તને કે તારા પિતાને અહીં બેસવા દેત ખરો ?’

‘એ કુસ્તી, લાઠી કે ખંજર અત્યારનાં સુધરેલાં શસ્ત્રો સામે કેમ ઉપયોગમાં આવે ?’

‘અરે સુધરેલાં શસ્ત્રોને બાજુએ મૂક, જે છે તે તો વાપરી જાણ ? વખત જતાં તમને લાઠીય હાથમાં ઝાલતાં થાક લાગી જશે !’

હિંદમાં વિપ્લવની શક્યતા વિષે ગૌતમે એક અભ્યાસપૂર્ણ લેખ છૂપા વાંચન માટે લખ્યો હતો. સશસ્ત્ર પ્રતિકાર માટે કદાચ અમેરિકાની ઉપરચોટિયા ઉદારતા, રશિયાનો દલિતપ્રેમ કે જર્મની જાપાનની દુશમનાવટ ઉપર આધાર રાખી શકાય એવો સંભવ તેણે સ્વીકાર્યો હતો. શસ્ત્રો મળતાં તેના ઉપયોગની મુશ્કેલી વિષે તેણે બહુ જ ઓછો વિચાર કર્યો હતો. યાંત્રિક શસ્ત્રો જોતજોતામાં બુદ્ધિમાનોને આવડી જાય એવી તેની ધારણા હતી. પરંતુ કીસનના બોલે તેને જાગ્રત કર્યો. લાઠી ઝાલતાં પણ થાક લાગે એવી સ્થિતિએ પહોંચેલી પ્રજામાં તોપની ગર્જના સાંભળવાની હિંમત રહે ખરી ?

'અને કદાચ લાઠી પણ ભયંકર શસ્ત્રમાં ગણાઈ તમારા હાથમાંથી ઝુંટવી લેવાશે.' કીસને કહ્યું.

ગૌતમ જરા શાંત બેઠો. ગાડી આગળ વધ્યે જતી હતી. રાત્રિ પણ અંધકારમય બનતી જતી હતી. ક્વચિત્ વાદળાં એ અંધકારમાં વધારો કરતાં હતાં, અને ઝીણો ઝીણો વરસાદ ગાડીની બારીઓ બંધ કરવા બારી પાસે બેઠેલાઓને પ્રેરતો હતો.

એકાએક કીસને પૂછ્યું :

‘તારે નેતા થવું છે નહિ ?’

‘ના. મારે તો રાષ્ટ્રસેવક બનવું છે.’

‘એ બધુંયે એકનું એક જ માની લે ! તારે જે બનવું હોય તે બનજે.