પૃષ્ઠ:Chhayanat.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૪૧
 

પણ મારી એક વાત સાંભળી લે. ઘર અને ઝાડ ઉપર ચઢતાં શીખ; તરવાની કળા હાથ કર; લાઠી અને જમૈયાના બધાય દાવ શીખી લે; મુક્કાબાજી માટે બજરમુષ્ટિને શોધી કાઢ; અને કુસ્તીના દાવપેચ વડે વાગવાનો સમૂળ ભય કાઢી નાખ. એ વગરનું બધું ભણતર, બધી સેવા, બધી નેતાગીરી વાંઝણી રહેશે.'

‘એ શીખ્યા વગર જ મરવાની ઠંડી તાકાત કેળવીએ તો ?'

‘મરવાની તાકાત ? હિંદીઓમાં ? એ તાકાત હોત તો બધા આમ નિર્માલ્ય બની ગાડીમાં ઊભા રહે ખરા ? ઠંડી તાકાત ? બાયલાઓનો એ તો બુરખો છે ! મારવાની કળા જાણ્યા વગર મારતાં પણ નહિ આવડે, સમજ્યો?'

ગૌતમમાં આટલો બધો રસ કીસન પહેલવાન શા માટે લેતો હતો ? એની વાતચીતમાં સંસ્કાર કે દલીલની ચોખવટ કદાચ ન દેખાય, પરંતુ તે બુદ્ધિહીન લાગતો ન હતો. એટલું જ નહિ, તે ચાલુ બનાવોમાં બુદ્ધિપૂર્વક રસ પણ લેતો હતો. વળી એ અનેક તોફાનો સાથે સંબંધ પણ રાખતો હતો ! તોફાનો ઉપાડવાં અને તેમને બંધ કરવાં એ પણ તેનું એક મુખ્ય કાર્ય જણાતું હતું !’

કેવો વિચિત્ર માણસ !

કયું સામાજિક કાર્ય એ સાધે છે ?

ગુંડાઓને ઉપજાવતા, ગુંડાઓને સહી લેતા સમાજનો ભાંગીને ભુક્કો ન કરવો જોઈએ ?

પણ એ ગુંડાઓ ઊપજે છે કેમ ?

શી રીતે ?

વળી આશ્ચર્યની વાત તો એ હતી કે એ ગુંડો સમજદાર હતો ! એ ગુંડો ઉદાર પણ હતો ! અરે, એ ગુંડો સુંદર મૈત્રીને પાત્ર હતો ! ગૌતમના પિતાને એણે એની પથારીમાં જ સુવાડી દીધા !

કારણ ?

એનામાં માણસાઈ તો હતી જ ! દેશી પ્રિન્સિપાલ કરતાં વધારે.

‘કેટલા સમયમાં એ બધું આવડે ?’ ગૌતમે પૂછ્યું.

‘ધીમે ધીમે બે વરસમાં; ઝડપથી એક વર્ષે.'

‘એનો ઉપયોગ ક્યાં ?'

‘ડગલે ને પગલે. આજથી જ જોતો રહેજે. તું મારી સામે મુક્કી ઉગામી શક્યો તો તને બેસવાની જગા મળી. એ દાખલાથી જ શરૂઆત