પૃષ્ઠ:Chhayanat.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૪૩
 


‘એમ ? ગુંડાઓની કેટલી કિંમત ?’

‘જેવો ગુંડો ! કોઈ ગુંડાને દીવાનગીરી મળે, કોઈ ગુંડાને ઈલકાબ મળે, કોઈ ગુંડાનો માલ ખરીદાય, કોઈ ગુંડાના દીકરા અધિકાર ઉપર ગોઠવાઈ જાય !...' ખૂબ હસીને કીસને વાક્ય અધૂરું રાખ્યું.

‘શું ? શું ? મને ન સમજાયું.’

‘એ સમજાય એવું નથી. પૂછીશ પણ નહિ. અમારો કેટલો ઉપયોગ છે તે તું તારી જાતે સમજી લેજે.'

‘હું ગુંડો બનું તો ?'

‘તારો બેડો પાર !’

‘નહિ નહિ. એ ન બને.'

‘એમાં સાચી તાકાતની જરૂર છે. તમે વિદ્યાર્થીઓ નામર્દ છો !’

‘હું તમને બતાવી આપીશ કે વિદ્યાર્થીઓમાં સાચી મર્દાઈ રહેલી છે.’

‘હં’ કીસને બારી ઉપર માથું મૂકી આંખ મીંચી દીધી.

‘તમે આ ધંધો ક્યારથી લીધો ?’ ગૌતમે પૂછ્યું.

'પંદરેક વર્ષ થયાં.' મીંચેલી આંખે જ કીસને જવાબ આપ્યો.

‘એમ કરવાનું કાંઈ કારણ ?’

કીસને આંખો ઉઘાડી. એની આંખમાં લાલાશ ફરી વળી. ફરી એણે આંખો બંધ કરી માથું બીજી રીતે ગોઠવી કહ્યું :

‘કોઈક દિવસ કહીશ.’

'તમને મળી ક્યાં શકાય ?’

‘જગા નક્કી નહિ. પરંતુ મારા અખાડામાં પૂછજે કોઈ વાર.’ કહી કીસને ઊંઘ લેવા માંડી.

‘ગૌતમને ઊતરવાનું સ્ટેશન પણ આવી પહોંચ્યું. પિતાને જગાડી ગૌતમે કીસનની રજા લીધી.

‘પહેલવાન, રજા લઉં છું.’

‘હોં !' કહી ખાલી પડેલી પાટલી ઉપર કીસન લાંબો થઈને સૂતો. એની પાટલી ઉપર કોઈએ નજર પણ નાખી નહિ.