પૃષ્ઠ:Chhayanat.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮: આદર્શ
 


ગૌતમે આંખો ચોળી.

‘ભાઈ સ્વપ્નામાં હજી છો શું ?' અલકે પૂછ્યું.

ગૌતમ એકાએક જાગૃતિ ભૂમિકા ઉપર આવી ગયો. જાગૃતિ, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યાવસ્થાની કલ્પના તેણે ઘણી વાર હસી કાઢી હતી. તે psycho - analysis - માનસપૃથક્કરણને ઓળખતો, યોગને નહિ. પરંતુ જાગૃતિ અને સ્વપ્ન એ બંને સ્થિતિ સત્ય હતી. એટલું તો તેને અત્યારે કબૂલ કરવું પડ્યું.

‘હા, હમણાં સ્વપ્ન બહુ આવે છે.' ગૌતમે કહ્યું.

'ભાઈ, તમે પણ મને રોજ સ્વપ્નમાં દેખાઓ છો, હોં !' અલકને એવા સ્વપ્નનું સંભારણું સુખમય હતું.

‘એમ ? મને શા માટે એટલો બધો યાદ કરે છે ?’

‘કોણ જાણે ! પણ સ્વપ્ન ઊડી જાય અને તમને ન દેખું એટલે એવું ૨ડવું આવે છે !’ અલકે અત્યારે જ રડવાની વૃત્તિ બતાવી.

‘પણ આજ તો હું તારી પાસે છું ને ?’

‘એટલે સ્વપ્ન આવ્યું જ નહિ. હું ક્યારની અહીં બેસી રહી છું, તમને જગાડવા.'

‘કેટલા વાગ્યા હશે ?'

‘આઠ વાગી ગયા.'

‘એમ ? મને તો સમજાયું જ નહિ.’

‘વાદળાં છે ને ?’

સુનંદા ઉતાવળી ઉતાવળી ત્યાં આવી.

‘ચા તૈયાર છે અને તમે બંને અહીં વાતો કરો છો !’

‘હવે આખો દિવસ તું જ ભાઈને કબજે લેઈ લેવાની છે ! મને તો વાત જ નહિ કરવા દે !’

‘હું બંનેની સાથે ઘડિયાળ લેઈને જ વાત કરીશ : એક કલાક સુનંદા સાથે તો બીજો કલાક અલકનંદા સાથે. પછી કાંઈ ?’ ગૌતમે હસતાં હસતાં તોડ કાઢ્યો.

'પણ પહેલો કલાક કોણ વાત કરે ? હું કે સુનંદા ?’ અલકે પૂછ્યું, હસતાં હસતાં.

‘અરે ભાઈ, તું જ પહેલી વાત કરજે. પછી કાંઈ ?’ સુનંદાએ પીછેહઠ કરી.