પૃષ્ઠ:Chhayanat.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

રાખી હિંદની ગરીબી વિષે હાય પોકારતા આગેવાનો હોય, આનંદ અને અમનચમનમાં જીવન ગુજારતા નિષ્ણાતો ખેડૂતોને કરકસરનો બોધ કરવા કમર કસતા હોય અને આપણા સામાન્ય જીવન સાથે જરાય સંબંધ ન રહે એ ઢબે આપણા યુવકવર્ગને કેળવવામાં આવતો હોય, એ દેશમા નિરાશાની પળો ડગલે ને પગલે ન આવે તો નવાઈ.

એનો અર્થ એમ તો ન જ થાય કે હું એ નિરાશા સેવવાનો બોધ કરું છું. નિરાશાની તીવ્રતા ઘણીયે વાર સાહસપ્રેરક નીવડે.

બીજો પ્રશ્ન એ થાય છે : ‘તો કાંઈ માર્ગ સૂચવો ને ?’

મારા મત અનુસાર એ માર્ગ ગાંધીજી દ્વારા સૂચવાઈ ચૂક્યો છે. સાહિત્યકારો માર્ગ ન જ બતાવે એમ કહેવાય નહિ. પરંતુ માર્ગમાં આવતી મુશ્કેલીઓનું દર્શન પણ અંશતઃ માર્ગદશક ન થાય ?

છતાં એટલું કહી જ દઉં કે માર્ગસૂચન માટે મારામાં પાત્રતા છે એમ મેં કદી માન્યું નથી. મારો આાદર્શ નાનો છે. વાંચી જવાય એવી વાર્તા હું લખી શક્યો હોઉં તો મારે માટે બસ છે..

પ્રકાશકો મારી વાર્તા પ્રસિદ્ધ કરે છે એ વાચકોનું વલણ સમજીને. મારી વાત વાચકો હાથમાં હજી લઈ શકે એમ છે એટલો સંતોષ મને વધારે લખવા પ્રેરે છે. એટલે વાચકોનો આભાર માન્યા વગર તો હું કેમ રહી શકું?

તા. ૨૧ જાન્યુઆરી, ૧૯૪૨
રમણલાલ વ. દેસાઈ
 


પહેલી આવૃત્તિની પ્રસ્તાવના

‘દિવ્યચક્ષુ' લખ્યા પછી એક દસકે ‘છાયાનટ’ લખવાની ઈચ્છા થાય એ પણ એક વિધિવૈચિત્ર્ય છે.

આ ‘છાયાનટ’ રાગ નથી કે કોઈ નટ નથી. હા, એક એવા અદૃશ્ય નટની એ કલ્પના છે કે જેની છાયા આપણને છોડતી નથી. અને જેનું નર્તન આપણને નીચે અને નીચે ઉતારે છે. કોઈ એવો ઓળો આ દેશ ઉપર ફરતો જ રહે છે કે જે રાષ્ટ્રીય પ્રગતિના માર્ગને રોધ્યા કરે છે, અને આપણા નિશ્વયો અને સંકલ્પોને ફળીભૂત થવા દેતો જ નથી. એને નામ ગમે તે આપો: એનાં કારણો ગમે તે શોધો. અણધારી જગાએથી અણધારી વ્યક્તિઓમાં અણધાર્યા કારણે એ ઓળો પ્રગટી ઊઠે છે.