પૃષ્ઠ:Chhayanat.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨: આદર્શ
 


એ જ પ્રમાણે સંગીત સારું ખરું. ભલે ધનિકોની દીકરીઓ ગાય અને નાચે... અગર કોઈ નફ્ફટ વહી ગયેલાં સ્ત્રીપુરુષોને ભલે એ સંગીત શોભે. મધ્યમ વર્ગને પ્રતિષ્ઠાથી સંગીતનો સ્પર્શ પણ ન થાય ! દેશસેવાની માફક સંગીત પણ મસ્ત માણસોને દીપે. અને મસ્તી એ મધ્યમ વર્ગીય સામાન્યતાનું લક્ષણ બની શકે જ નહિ ! એણે તો ચીલે ચીલે ચાલવાનું, ચારેપાસથી ડરવાનું, સહુને રાજી રાખવાનું, અને ઠર્યા પ્રમાણે પ્રતિષ્ઠિત ઢબે અજાણ્યું મરવાનું.

‘પછી શું કરીશું ?’ ગૌતમે પૂછ્યું. સંસારવ્યવહાર એ તેનો વિષય નહોતો. છતાં બહેનના ભાવિમાં રસ લેવા તેણે પ્રયત્ન કર્યો.

‘પ્રયત્ન કરી જોઉં છું, પણ કશું કહેવાય નહિ.' વિજયરાયે કહ્યું.

‘કોની સાથેનો વિચાર હતો ?'

‘અનિલ કરીને એક યુવક તારી જોડે જ કૉલેજમાં ભણે છે...’

‘અનિલ ? સારું થયું જે થયું તે.'

‘કેમ ?'

‘એ નિર્માલ્ય છોકરો ! આપણને જરાય ન ફાવે.'

‘પણ કાંઈ કારણ ? એનો બાપ સુખી છે, એકનો એક દીકરો છે; સારું ભણે છે...'

‘મારી હડતાળ તોડવામાં એ પહેલો હતો.'

'કેવી રીતે ?'

‘એ પહેલો વર્ગમાં જઈને બેઠો.'

‘ડાહ્યો કહેવો જોઈએ. બીજાઓને પણ છેવટે જવું પડ્યું ખરું ને ? એનો બાપ રાવબહાદુર છે. એનાથી હડતાળમાં કેમ દાખલ થવાય ?'

ગૌતમે વિચાર્યું કે રાવબહાદુરો અને તેમનાં દીકરાદીકરીઓ સરકારની મહેરબાનીની જંજીરમાંથી બહાર નીકળી શકે એમ નથી.

પરંતુ તેના પિતાએ તેની આગળ એક કાગળ ખુલ્લો કરી બતાવ્યો ત્યારે તેને તમ્મર આવ્યાં ! એકલા ઈલકાબધારીઓ અને તેમનાં જ વાલીવારસો નહિ, પરંતુ સરકારી નોકરી કરતા વર્ગનાં સંતાનો પણ એ જંજીરમાંથી ખસી શકે એમ નથી. તેણે એ જંજીર તોડવાનો નિશ્વય એકદમ કરી દીધો.

‘મારાથી એ કાગળ ઉપર સહી નહિ થાય.’ ગૌતમે કહ્યું.

કાગળમાં વિજયરાયે એક નિવેદન લખ્યું હતું. ગૌતમ રાજકીય વિષયોમાં ભાગ હવે પછી વિદ્યાર્થીઅવસ્થામાં નહિ લે એવી તેમાં પિતા