પૃષ્ઠ:Chhayanat.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૫૫
 

મરવા તૈયાર કેમ નહિ કરતા હોય ? વાત્સલ્યથી આંખમાં અશ્રુ લાવનાર માતાપિતા પુત્રને આશીર્વાદ સહ દુ:ખમાં હડસેલતા કેમ નથી ? ધનિકો ભલે તેમ ન કરે, મધ્યમ વર્ગ - સમજદાર વર્ગ શા માટે એ ભાવના કેળવતો નથી ? બ્રિટિશ પ્રજાનો મધ્યમ વર્ગ બ્રિટિશ રાજ્યની પીઠ ગણાય છે. હિંદની તો પીઠ ભાંગી ગઈ છે !

‘હું ના કહીશ તો બહુ દુ:ખ થશે ?'

'હા.'

'મને ત્યજી દેશો ?’

'કદી નહિં.'

‘ત્યારે હું સહી કરવાની ના પાડું છું.' ગૌતમે કહ્યું.

ગૌતમ સામે કોઈ અકથ્ય ભાવપૂર્વક ક્ષણભર નિહાળી વિજયરાયે કહ્યું :

‘હું સાહેબ પાસે જઈ આવું.’

‘કયા સાહેબ ?’

‘કલેક્ટર સાહેબ. એમનો મુકામ અહીં છે.’

ગંભીરતાપૂર્વક વિજયરાય ઘરમાંથી બહાર નીકળ્યા. બારીમાંથી તેમને ગૌતમ નીરખી રહ્યો. ઊંચો, પ્રભાવભર્યો તેમનો દેહ આકર્ષક લાગતો હતો. તેમને નમસ્કાર કરવા સ્વાભાવિક રીતે જ જનતાના હાથ ઊંચકાતા.

કેટલાય યુગની માનવસમૃદ્ધિ એ દેહ રચવામાં ભેગી થઈ હશે ?

અતિવાત્સલ્યની ઝીણવટભરી કુમાશ લાવતાં લાવતાં કેટલાય યુગની ઊર્મિઓના વાણાતાણા એમાં ગૂંથાયા હશે ?

અને પુત્રને માટે રુશવતની તૈયારી કરનાર અને પુત્રના સુખી જીવનનો મોહ ઘડનાર યુગયુગનો કયો સ્વાર્થ એ હૃદયમાં ઘૂંટાયો હશે કે જેથી આગળ ધસતા પુત્રને હિંમતથી વધાવવાને બદલે પિતા એને પાછે પગલે લઈ જવા મથતા હતા ?

'ભાઈ, તમને શું ભાવશે ?' અલકનંદાએ આવીને ગૌતમના વિચારમાં વિક્ષેપ નાખ્યો.'

‘તમે બંને જે બનાવશો તે મને ભાવશે.' ગૌતમે કહ્યું.

‘ના; તમે કહો.'

હૉસ્ટેલો એને ઉપહારગૃહોની વાનીઓના જાડા શોખમાં સપડાયેલો શહેરી સમાજ સ્વાદમાં પણ ક્રાન્તિ ઉપજાવતો ચાલ્યો છે. એ સ્વાદથી