પૃષ્ઠ:Chhayanat.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬: છાયાનટ
 

કંટાળેલા ગૌતમે કહ્યું :

‘સાચે જ મારું મન રાખવું છે ?’

'હા'

'ત્યારે બાજરીનો રોટલો સરસ બનાવો.'

'ભાઈ, તમેય શું આમ મશ્કરી કરો છો ?’ સુનંદાએ પાછળથી આવી કહ્યું. બાજરીનો રોટલો એ ગરીબ તથા ગામડિયા ખોરાક ગણાય છે. કોઈ માંદલો ધનિક ન છૂટકે બાજરી વાપરી સાદાઈનો ઢોંગ કરે તે સિવાય સુધરેલો સમાજ બાજરીનો બહિષ્કાર પોકારી રહ્યો છે. એને વખતે બાજરીનો રોટલો - રોટલી નહિ - માગનાર મશ્કરી કરતો જ મનાય !

પકવાન સાથે બાજરીના રોટલાની પણ છેવટે વ્યવસ્થા કરવા બહેનો કબૂલ થઈ. બહેન અને ભાઈના અકથ્ય અવર્ણનીય ભાવ સર્જાવી કુદરત માનવજાતને ઉત્ક્રાંતિનાં કયાં પગથિયાં ચડાવે છે ? ફ્રોઈડ સરખો માનસશાસ્ત્રી સ્ત્રીપુરુષના સર્વ વ્યવહારવિચારમાં જાતીય આકર્ષણના પ્રકાર માન્યા મનાવ્યા કરે છે; હશે છતાં જાતીયતાથી પર રહેલા દેખાતા પ્રેમનું દર્શન કરવું હોય તો ભાઈબહેનને નીરખવાં. એ પ્રેમનું મૂળ ભલે ફ્રોઈડના મત પ્રમાણે જાતિઆકર્ષણ ઉપર અવલંબી રહ્યું હોય ! આજની ભૂમિકાએ તે જાતીય આકર્ષણથી પર બની ગયું છે, વિચિત્ર !

એકાએક તેના ઘર પાસે એક મોટર આવીને ઊભી.