પૃષ્ઠ:Chhayanat.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮: છાયાનટ
 

કારણો પછી ગમે તે હોય. રાજકીય ચળવળિયાને ધમકી આપવા, ધનિકની પાસેથી કોઈ સહકારી સત્કાર્યમાં ફાળો ભરાવવા, માન ભૂખ્યાને તાળવે ગોળ ચોટાડવા અગર અધકચરા પક્ષવાદીને સામો પક્ષ છોડાવવા સાહેબો કંઈક સફળતાભર્યા પ્રયાસો કરે છે. ગૌતમને આ આમંત્રણમાં પહેલું કારણ દેખાયું - જોકે તેને ખબર ન હતી કે તેને હજી આટલું બધું મહત્ત્વ શા માટે આપવામાં આવતું હશે !

બહેનો અડધી રાજી થઈ. કલેક્ટર સાહેબ ઉપર છાપ પાડવાની પોતાના ભાઈની શક્તિમાં તેમને વિશ્વાસ હતો. ધવલ રંગ ઉપર બધા રંગની છાપ પડી શકે એ ખરું, પરંતુ ધવલરંગી પ્રજાઓ માટે એ સાચું ન કહેવાય એની ખબર તેમને ન હતી. ગોરું સ્વર્ગ વિશ્વમાં લાવવા મથી રહેલી ગોરી પ્રજાઓ કાળી પ્રજાને અસ્પૃશ્ય ગણે છે.

એ ગમે તેમ હોય, પણ આમંત્રણનો અસ્વીકાર શક્ય ન હતો. ગૌતમને અત્યારે ત્યજાયલી ખાદી યાદ આવી. તે ખાદી પહેરતો હોત તો સાહેબને વધારે ચીડવી શકત ! પરંતુ અત્યારે તો એ સ્વદેશીનો વિરોધી હતો. એવી નાનકડી, સંકુચિત ભાવનાને તે વટાવી ગયો હતો. પહોળી સુરવાળ, લાંબું ખમીસ, ઉપર જેકેટ અને પગમાં ચંપલ પહેરી ગૌતમ કારમાં બેસી સાહેબ પાસે પહોંચ્યો.

રસ્તામાં તેને અનેક સલામો મળી - જેનો સાચી રીતે તેને અધિકાર ન હતો. પોલીસના નોકરો સાહેબોને સલામ કરવા બંધાયલા હોય જ. પરંતુ તેમની અલિખિત ફરજ એ પણ છે કે સાહેબનાં પત્નીને તેમણે સાહેબ કરતાં પણ વધારે છટાથી સલામ ભરવી, અને સાહેબનાં બાળકો તરફ એથી પણ વધારે ઝમકદાર સલામ ફેંકવી. સાહેબો ઘણા દયાળુ હોય છે; કદાચ પોતાને પૂરી સલામ ન થઈ હોય તો તે ચલાવી લેવાની ઉદારતા દાખવી શકે; પરંતુ સાહેબોનું પ્રેમશૌર્ય -Chivalry પોતાનાં સ્ત્રીબાળકોનો માનમરતબો ન સાચવનાર અવિવેકી સિપાઈઓના દંડ કરી નાખતાં જરાય પાછું જોતું નથી. એક દેશી સાહેબનાં પત્નીને સલામ ન કરવાના ભારે અપરાધ માટે એક સિપાઈને દંડી નાખ્યા પછી સિપાઈઓએ સર્વાનુમતે ઠરાવ કર્યો હતો કે મોટરકારમાં બેસનાર સહુ કોઈને સલામ ફેંકવી ! આ ધોરણે ગૌતમને સરકારી સલામો મળી.

અને બિનસરકારી પ્રજાજનો તો વળી લળીલળી અધિકારીઓને સલામો કરવા સેંકડો વર્ષથી ટેવાયલા જ હોય છે. કારમાં બેસનાર સહુ સાહેબ અને અધિકારી ! નિદાન કારની પાત્રતા સલામ તો માગી જ લે - બેસનાર ભલે ગમે તે હોય. આ ધોરણે ગૌતમે કંઈક પ્રજાજનોની સલામો