પૃષ્ઠ:Chhayanat.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૫૯
 

પણ ઝીલી - કે ન ઝીલી. ખરું જોતાં તેનું વાહન એ નમનની પરંપરા ખેંચી લાવતું હતું.

સાથે સાથે કારની પાછળ ઊડતી ધૂળ કાર વગરનાં સેંકડોહજારો માનવીઓનાં મનની સૂચક હતી. એક માણસને વગર જરૂરની કાર, અને લાખો માનવીઓ પગપાળા ! એક પણ માનવીને પગ ઘસવા પડતા હોય ત્યાં સુધી કોઈને પણ કાર વાપરવાનો હક્ક હોઈ શકે ખરો? જે સમાજ - જે રાજ્યઘટનામાં એક જણને ગાડી મળતી હોય અને સેંકડો માણસોને માત્ર તે ગાડી તરફ નજર જ કરવાનો અધિકાર રહેતો હોય એ સમાજ, રાજ્ય કે ઘટના માનવીની ઈર્ષ્યા, વેર અને ઝેરની વૃત્તિને સતેજ રાખે એમાં શી નવાઈ ? માનવીની અસમાનતાનાં અનેક પ્રતીકોમાંનું આ એક નવું પ્રતીક !

અને હિંદુઓ કહે છે : ‘વસુધા એ જ કુટુંબ છે.’

ખ્રિસ્તીઓ કહે છે : ‘તારા પાડોશી પ્રત્યે તારી જાત જેટલો જ પ્રેમ રાખ.'

ઈસ્લામીઓ પોતાના ધર્મને નામ આપે છે : ‘શાંતિ અને ભ્રાતૃભાવ.'

બૌદ્ધો પોકારે છે : ‘અહિંસા એ જ પરમ ધર્મ.’

કારમાં બેસી પગપાળા જગતને ઊંચી ભમ્મરોએ જોતો કયો હિંદુ હિંદુ છે ? કયો ખ્રિસ્તી ખ્રિસ્તી છે ? કયો મુસ્લિમ ઈસ્લામપૂજક છે ? કયો બૌદ્ધ બુદ્ધપૂજક છે ? એ જુદું ધર્મપાખંડ ધર્મને જ નિરર્થક ઠરાવે છે !

એક બંગલાના કમ્પાઉન્ડમાં ગૌતમની કારે પ્રવેશ કર્યો. વિશાળ કમ્પાઉન્ડમાં તંબૂઓ ખેંચેલા હતા; નાનકડું બજાર ત્યાં ભરાયું હતું; કેટકેટલા લોકો બહુ જ શાંતિભર્યું ધાંધળ કરતા હતા; ને રુઆાબદાર કારકુનો અને પટાવાળાઓ નિશ્ચિંતપણે સહુની દોરવણી કરતા હતા. કાર તંબૂ આગળ ઊભી રહી અને ગૌતમના પિતા આગળ આવ્યા. ગૌતમ નીચે ઊતર્યો. વિજયરાયે કહ્યું : ‘હમણાં ઠાકોર સાહેબ આવે છે; પછી તારે જવાનું છે. જો, સંભાળીને વાતચીત કરજે. સાહેબ બહુ સારા છે.’

‘ઠાકોર ?’

‘હા, સાહેબને મોટા મોટા રાજરજવાડા પણ સલામ કરે.'

એટલામાં જ બ્રીચીઝ, શેરવાની અને સાફો ધારણ કરી સાહેબ આગળ ધરાવેલું વીલું સ્મિત મુખ ઉપર ચાલુ રાખી રહેલા એક દરબાર અને ગુજરાતી પાઘડી-દુપટ્ટો ધારણ કરેલા તેમના ખંધા કારભારી તંબૂની