પૃષ્ઠ:Chhayanat.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦: છાયાનટ
 

બહાર નીકળ્યા. તેમની આંખને કસુંબલ રંગ તેમની રોજિંદી મદ્યપ્રિયતાનું પ્રદર્શન કરી રહ્યો હતો. તેમના દેહની સ્થૂલતા તેમના ખોરાકની અતિશયતા ઉપર ભાર દેઈ રહી હતી. અને તેમની ચાલમાંથી ફલિત થતી કોઈ લઢણ વિલાસને મોજે ચઢતા, પડતા અને અંતે થાક અને અતૃપ્તિ વચ્ચે ખેંચાતા કામીની છાપ ઉપજાવતી હતી.

‘આ ઠાકોર ?’ ગૌતમે ધીમેથી પૂછ્યું.

‘હા.' વિજયરાયે દરબારને નીચા વળી સલામ કરતાં કહ્યું. દરબારથી બહુ નીચા વળાય એમ હતું જ નહિ. તેમની સ્થૂલતા તેમને અક્કડ રાખી રહી હતી.

‘અહીં કેમ આવ્યા હશે ?'

‘સાહેબનો મુકામ થાય ત્યારે આસપાસના રાજરજવાડા નજરાણાં કરે જ; અને આ ઠાકોરને માથે તો દેવું બહુ થઈ ગયું છે એટલે જપ્તીની બીક છે.'

જપ્તી ! દેવું ! અને ઠાકોરમાંથી રાજા ! અને રાજામાંથી મહારાજા ! એક જ જાત. પાંચસો ને પચાસ રાજામહારાજા ! પાંચ હજાર અને પાંચસો જમીનદારો ! હિંદને પરદેશીઓને હાથ સોંપનાર એ તાજધારીઓનું સંગ્રહસ્થાન બ્રિટિશ સલ્તનત સાચવી રહી છે !

ઠાકોર સાહેબે જરા થાક ખાઈ શ્વાસ લેઈ મૂછે હાથ ફેરવ્યો.

ગાંધીજીએ દેશી રાજની પ્રજાને ગુલામની ગુલામ કહી છે. વાઈસરૉયના વિદૂષક, વાર્જાવાળા કે હજૂરિયાનો ભાસ આપતા. શણગારાયલા કેટલાક રાજાઓની ગર્વપૂર્વક મુદ્રિત થયેલી છબીઓ જોયાનું ગૌતમને યાદ આવ્યું, અને એકાએક ઠાકોરોની યાદ આપતો એક ઊંચો ચપરાસી તંબૂની બહાર નીકળી ગૌતમને કહેવા લાગ્યો :

‘ચલિયે. હુઝૂર યાદ કરે છે.'

‘હુઝૂર’ના તંબૂમાં ગૌતમને ચાંદીની ચપરાશ પહેરેલો પટાવાળો લેઈ ગયો ત્યારે ગૌતમના હૃદયમાં આાછો ધડકાર ઊપડ્યો. ક્ષોભ અને ભયની મિશ્ર લાગણીથી ગૌતમ હજી પાર થયો ન હતો ! અને આવા તો અનેક ‘હુઝૂરો’ના ખભા ઉપર બ્રિટિશ સલ્તનત અજર અમર ઊભી હતી ! એક હુઝૂરથી ક્ષોભ પામતો ગૌતમ અનેક હુઝૂરો સામે કેમ થઈ શકે ?

જોતજોતામાં તેણે હૃદયને શાંત પાડ્યું. લઘુતાગ્રંથિ - Inferiority complex - માનસને કેટલીક વાર તોછડું અને છિછલ્લું બનાવે છે. કલેક્ટરથી જરાય ન ડરવાનો નિશ્ચય કરી તંબૂમાં પ્રવેશતા ગૌતમે જોયું કે