પૃષ્ઠ:Chhayanat.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૬૧
 

એ તંબૂ કોઈ ઝડપી કામ કરનાર લશ્કરીનો ચલનિવાસ નહિ પણ એક આયશી મોગલ સૂબાનો મહેલ હતો ! જાજમ, ગાલીચા, ખુરશીમેજ, છબીઓ એ ગોઠવાયેલું હતું - જોકે પાસે જ ડાકબંગલાને નામે ઓળખાતું મકાન તો વપરાશમાં આવેલું જ હતું. વરસાદથી બચવા માટેની કનાતો પણ તેમાં હતી. સવારથી સાહેબને મળેલાં ફૂલહાર પણ જુદે જુદ સ્થળે તંબૂમાં લટકતાં હતાં અને થોડો ફૂલઢગલો ખુરશી ઉપર પણ પડ્યો હતો. ગૌતમ જરા જંખવાયો.

‘આવો'નો અંગ્રેજી ભાષામાં થયેલો ઉચ્ચાર ગૌતમને સ્થિર કરી શક્યો. સામે એક સરસ ખુરશી ઉપર કલેક્ટર સાહેબ બેઠા હતા. મોટું મેજ તેમની આગળ ગોઠવાયું હતું અને પુસ્તકો તથા કાગળોના થોકડા ભરેલી નેતરની ટોપલીઓ મેજ ઉપર પડી હતી. ખુરશી છોડી કલેક્ટર સાહેબ ઊભા થયા અને આગળ આવી તેમણે ગૌતમ સાથે હાથ મિલાવ્યો ! એટલું જ નહિ, અન્ય બેઠકસમૂહમાં એ ગોઠવાયલી સારી અને સુખપ્રદ ખુરશીઓ તરફ લેઈ જઈ તેને બેસાડી સાહેબ બેઠા.

વિદ્યાર્થીઓને હડધૂત કરતો કાળો પ્રિન્સિપાલ ક્યાં અને એવા કૈંક પ્રિન્સિપાલો પાસે પગ ચંપી કરાવવાની સત્તા ધરાવતી ગોરી પ્રજાનો સત્તાધારી ક્યાં ? છતાં બંને વચ્ચેના વિવેકમાં કેટકેટલું અંતર ! અલબત્ત એ વિવેકમાં સત્તાધીશની નિશ્ચિતતા તો હતી જ. છતાં કાળા પ્રિન્સિપાલનો અછકલો સત્તાશોખ અને ફૂલણજીપણું તેમાં ન હતાં. વિવેક સર્વદા, મનુષ્યને દિપાવે છે.

‘ક્યારે આવ્યા ?' મીઠાશથી સાહેબે પૂછ્યું.

‘ગઈ રાત્રે.'

'હજી રહેશો ને ?'

‘ત્રણેક દિવસ.'

‘પરીક્ષા ક્યારે છે ?'

‘છમાસિક પરીક્ષા થોડા દિવસમાં થશે.'

‘અભ્યાસ કેમ ચાલે છે ?'

‘ઠીક છે - જો વચ્ચે વચ્ચે અશાંતિ ઊપજતી ન હોય તો.'

‘અશાંતિ ! ઓહ ! પણ એ અશાંતિમાં તમારો કેટલો હિસ્સો ?’ હસતાં હસતાં કલેક્ટર સાહેબે કહ્યું.

‘તલપૂર પણ નહિ.’

‘બે હાથ વગર તાળી પડે ખરી ?’