પૃષ્ઠ:Chhayanat.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


છેલ્લાં દસ વર્ષની પ્રવૃત્તિ કે પ્રગતિ ભારે નિરાશાસૂચક છે. Defeatism - પરાજિત વૃત્તિને નામે એ ભાવને ઓળખી શકાય. એ વૃત્તિ સારી નથી, ઉપકારક નથી, માર્ગદશક નથી એ બધું ખરું, પરંતુ જ્યારે એ ઘણી વાર હૃદયસ્થ થાય ત્યારે એ સાચી તો બની જાય છે. એવી પરાજિત વૃત્તિનું પ્રતિબિંબ તે આ ‘છાયાનટ’ની કથા. એ કથાના નાયકને બહુ દૂર જોવા જવું પડે એમ નથી. આપણે શા માટે તે ન હોઈએ ?

એ સંજોગોમાં લખાયેલી વાર્તા કટુતાસૂચક હશે જ. છતાં કોઈ વ્યક્તિ કે વર્ગને ખોટું લગાડવાની જરાય એમાં ધારણા નથી.

વાર્તા તરીકે ‘છાયાનટ’ને સંપૂર્ણ કરી છે, છતાં આ સંપૂર્ણ વાર્તાને પહેલા ખંડ તરીકે ઓળખાવવાનો એક ઉદ્દેશ છે : આ પરાજિત વૃત્તિ શું કાયમની જ રહેવા સર્જાઈ છે ? છાયા ઓસરી, મુક્તિ નૃત્ય કરવાનો સંભવ ઊભો શું નહિ થાય ? 'આદર્શ'ના મથાળા નીચે લખાયલા આદર્શાભંગના કથનને 'આદર્શસિદ્ધિ’ના મથાળામાં વધારવાનું શક્ય નહિ બને ? આશા તો છે જ.

પરંતુ એને માટેનું વાતાવરણ તૈયાર ન થાય ત્યાં સુધી બીજો ભાગ નહિ જ રચાય એમ માનીને હું ચાલું છું, અને આ વાતા પૂર્ણ થઈ એમ ગણું છું.

વાર્તા તરીકે એની જે અસર થાય તે ખરી.

વડોદરા
તા. ૧૩ જુલાઈ, ૧૯૪૧
રમણલાલ વ. દેસાઈ