પૃષ્ઠ:Chhayanat.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪: છાયાનટ
 


‘એમ બનશે જ નહિ.’

'અને બને તો હું જ્યાં હોઉં ત્યાં લખી મોકલાવશો ?’

‘મારામાં મને એટલો બધો અવિશ્વાસ નથી ઊપજ્યો.'

‘મારાં અભિનંદન. તમને જતા કરું છું. પકડહુકમ તમારે માટે કાઢ્ચો હતો. પણ તમારા પિતાને નામે તમને છૂટા મૂકું છું. સાચી ક્રાન્તિ લાવશો તો મારા કરતાં વધારે રાજી કોઈ નહિ થાય.'

‘પણ આપ તો ક્રાન્તિની સામે જ ઊભા રહેવાના ને ?’

'ખાડાટેકરા અને ખડકો હોય તો જ પાણી જોરભેર ધસે ને !’ કહી સાહેબ હસતા હસતા ઊભા થયા.

ગૌતમ પણ ઊભો થયો. કલેક્ટર સાહેબ ગૌતમ કરતાં દોઢેક ફૂટ ઊંચા લાગતા હતા. તેમના દેહ આગળ ગૌતમ વહેતિયાનું ભાન અનુભવી રહ્યો.

સાહેબે હાથ લંબાવી હસતે મુખે હસ્તધૂનન કર્યું અને જાણે કાંઈ જ બન્યું ન હોય એમ પોતાની મેજ સામેની ખુરશી ઉપર બેસી કામે લાગી ગયા. એ ગૌતમે જતે જતે નિહાળ્યું.

બહાર સહુ કોઈ તળે ઉપર થઈ રહ્યું હતું. ગૌતમના પિતાની ચિંતા સહુ કરતાં વધારે તીવ્ર હતી. ગંભીરતાપૂર્વક ગૌતમ બહાર નીકળ્યો.

‘શું થયું ?’ પિતાએ પૂછ્યું.

‘કાંઈ નહિ.’ ગૌતમે કહ્યું. તેને હવે ભાસવા લાગ્યું કે કલેક્ટર સાહેબે તેની દ્વારા આખા હિંદને આહ્વાન આપ્યું હતું.

‘શિખામણ દીધી કે નહિ ?’

‘કોણે ? મેં કે સાહેબે ?'

‘સાહેબેસ્તો.’

‘સાહેબને હું ગાળ દેઈને આવ્યો.’

'ગાળ ? શું કહે છે તું?'

‘મોટા ભાઈ, મને મારા માર્ગે જવા દો. તમારી નોકરી નહિ જાય. મારી અને તમારા સાહેબની વચ્ચે એક શરત રમાય છે. હું જીતીશ તો હસતો હસતો તમારી પાસે પાછો આવીશ. હારીશ તો...’

વાતો કરતાં આગળ વધતા બાપદીકરાને મોટરકારનું ભૂગળું વાગ્યું સંભળાયું. કારને જગા આપવા તથા સાહેબ હોય તો સલામ કરવા વિજયરાય બાજુએ ઊભા. ગૌતમ પણ સાથે જ ઊભો. કાર ઊભી રહી. શૉફરે બેઠાં બેઠાં કહ્યું :