પૃષ્ઠ:Chhayanat.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આજ ક્રિકેટ મૅચ હતી. મેદાન ઉપર ખૂબ માનવમેદની ભેગી થઈ હતી. નાના મોટા તંબૂઓમાં સેંકડો નરનારીઓ સેંકડો રૂપિયા ખરચી હિંદમાં લોકપ્રિય બનતી બાદશાહી રમતનું સન્માન કરવા ભેગાં થયાં હતાં. યુરોપિયનો, પારસીઓ, હિંદુઓ, મુસલમાનો સહધર્મીઓ અહીં ભેગા મળ્યા હતા. અને તેમાંયે વિદ્યાર્થીઓ તંબૂઓમાં તેમ જ તંબૂઓની બહાર મેદાનમાં રમાતી રમત તેમની અંગત માલિકી હોય એમ બૂમાબૂમભર્યું વર્તન કરતા હતા. પ્રિન્સિપાલ સાહેબે તેમની હડતાલ તોડી તેમના સ્વમાન ઉપર જબરજસ્ત ઘા કર્યો હતો એ વિદ્યાર્થીઓ ચાર દિવસમાં જ ભૂલી ગયા. ગુજરાતી ગૃહસ્થો માફક ગુજરાતના વિદ્યાર્થીઓ બહુ ઝડપથી અપમાનને વિસારી શકે છે. આછા કોલાહલથી આખું મેદાન છવાઈ રહ્યું.

મહત્વના દેખાતા બે તંબૂઓ વચ્ચે એક કાળું પાટિયું ઊભું કરવામાં આવ્યું હતું. એની પાસે ઝાડની છાયા નીચે નાનાં ખુરશીમેજ ઉપર મહત્વનો દેખાવ કરતા યુવાનો બેઠા હતા. રમતના વિધાતા સરખા એ "સ્કોરરો” રનનો ફાળો નોંધી રમત રમનારાઓ કરતાં પણ વધારે ભારે કામ કરવાના હતા, એમ તેમના દેખાવ ઉપરથી જણાઈ આવતું હતું. અગિયારમાં પાંચ મિનિટ બાકી હતી અને બંને કૉલેજ ટુકડીઓના કૅપ્ટનો તથા રમત-નિયામકો - Umpires - એ તંબૂમાંથી બહાર નીકળી રૂપિયો ઉછાળી કોણે કયો દાવ લેવો તે નક્કી કર્યું. સ્થાનિક કૉલેજના ખેલાડીઓએ દાવ લેવો એવું રૂપિયાએ ઠરાવી આપ્યું હોય એમ લાગ્યું.

સામા પક્ષના ખેલાડીઓ મેદાન ઉપર આવ્યા અને દડાની ઝીલમઝોલા કરવા માંડી. તેમને નીકળતા બરોબર તાળીઓથી વધાવી લેવામાં આવ્યા. દડો ફેંકવામાં અગલબગલની કરામતો પણ કેટલાકે દેખાડી. તંબૂઓમાં તેમનાં ઓળખાણ સાચાંખોટાં અપાવા લાગ્યાં.

‘પેલો ડિસોઝા ! ફાસ્ટ બૉલર !’ એક જાણકારે કહ્યું.

‘કોણ ? પેલો કાળો અને ઊંચો છે તે ?’

'હા.'

‘અરે ન હોય એ ડિસોઝા, એ તો શાહબુદ્દીન : લોંન્ગ-ઑફ-ફીલ્ડર' ત્રીજા જ યુવાને દૃઢતાપૂર્વક એ ખેલાડીનું નામ અને કામ નક્કી કરી નાખ્યું - જોકે કુદરતે કે સમાજે એને ડિસોઝા કે શાહબુદ્દીન હજી સુધી બનાવ્યો જ