પૃષ્ઠ:Chhayanat.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૬૯
 

ન હતો.

ધોળા લાંબા ડગલા, સાહેબની ટોપી અને બેઠક બનાવી શકાય એવી લાકડી સાથે ગાંભીર્યપૂર્વક જોડાજોડ નીકળેલું અમ્પાયર યુગ્મ મેદાને ઊતર્યું અને ફરી તાળીઓ પડી. અનિયમિત તાળીઓ એ હિંદી યુવાનોનો જાહેર ઉદ્યોગ છે. કોઈ પણ રોગ કરતાં એ ઉદ્યોગ વધારે ચેપી છે. સહુ એમાં સામેલ થઈ શકે છે. મેદાન ઉપરના દાવ આપતા ખેલાડીઓને તેમના નેતાએ હાથને ઈશારે જુદે જુદે સ્થળે ગોઠવી દીધા.

અને તત્કાળ બે યુવાનો પગે પેડૂઝ બાંધી એક હાથમાં બૅટ અને બીજે હાથે મોજું ઉછાળતા રમતને માટે નિર્ણીત કરી મૂકેલી કદરૂપી સાહેબની ટોપી પહેરી મેદાને પડ્યા ત્યારે આખું વાતાવરણ તાળીઓથી ગાજી રહ્યું.

બંને ખેલાડીઓમાં એકે બૅટના પાછલા ભાગ વડે જમીન ઠોકી, બૅટ બગલમાં મૂકી સેનાપતિની ચકોર દૃષ્ટિ ચારેપાસ ફેંકી દુશ્મનોના વ્યુહને જોઈ લીધો અને બૅટને સ્ટંપ્સ સામે ઊભું રાખી સામી બાજુએ ઊભા રહેલા અમ્પાયર-રમતનિયામકની આંગળીઓને આધારે એક સ્થળે ગોઠવ્યું; અને ત્યાં આછો ખાડો પાડ્યો. સામી બાજુએથી એક ખેલાડીએ પોતાની સાહેબટોપી અમપાયરના હાથમાં આપી અને બૉલને પોતાના પાટલૂન ઉપર ઘસ્યો. ઘસતે ઘસતે અડધા મેદાન સુધી તે પહોંચી ગયો. એકદમ સામો ફર્યો અને ત્યાંથી બેટધારણ કરનાર સામે દોટ મૂકી ધસ્યો અને બૅટ ધારણ કરનારનું ખૂન કરવું હોય તેમ તેણે બૉલને બંદૂકની ગોળી જેટલી ઝડપે ફેંક્યો. ખટ અવાજ સાથે બૉલ અટક્યો.

મેદાનમાં શાંતિ છવાઈ ગઈ હતી. બીજો બૉલ ફેંકાયો અને તે પણ અટક્યો. ત્રીજા બૉલે પ્રેક્ષકોના જીવમાં જીવ આવ્યો અને આછી આછી વાત તંબૂઓ અને મંડપોમાં શરૂ થઈ. એક ઓવર પૂરી થઈ અને દાવ આપનારાએ સ્થાન બદલ્યાં.

‘આ બધા શું કરે છે ?’ એક સ્ત્રીનો ટહુકો, આછો આછો સંભળાયો.

દોઢ બે દસકા પહેલાંના નવજુવાનો પોતાની નવયૌવનાઓને અંગ્રેજી ભાષા શીખવવાની અર્ધ નિષ્ફળ મહેનત કરતા હતા. એ ભૂમિકામાંથી પસાર થયેલો આજનો પ્રિયતમ નવવધૂને જાહેર જીવનની રમતો સભાઓ અને રંજનકાર્યો જેવી આંટીઘૂંટીનું જ્ઞાન આપવા બહુ જ ઈન્તજાર હોય છે. ક્રિકેટ મેચ જોવા ટિકિટો ખર્ચી કેટલાયે યુવાનો પોતાની પત્નીઓને સાથે લાવ્યા હતા. એવા એ યુવકની યુવતીએ પૂછ્યું :

‘આ બધા શું કરે છે ?'

અજ્ઞાન અને તેમાંયે પત્નીનું અજ્ઞાન જાહેર થવા દેવાની કોઈ પણ