પૃષ્ઠ:Chhayanat.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦: છાયાનટ
 

પતિની ઈચ્છા હોય એમ માની શકાય જ નહિ. સાથે પત્નીનું અજ્ઞાન દૂર કરવાની પ્રામાણિક તક ખોળતો પતિ ઘણી વાર હાથે કરીને કરુણરસનો નાયક બની જાય છે. પત્નીને પતિએ જવાબ આપ્યો :

'દાવ બદલે છે.’

‘કોનો દાવ ?’

‘જેમના હાથમાં બૅટ છે તેમનો દાવ.'

‘પેલી બાજુનો છોકરો રમી રહ્યો ?’

‘ના. દરેકને વારાફરતી છ છ બૉલ આપવાના.’

“બસ ? છ છ જ ? એમ કેમ ?'

‘એવો નિયમ છે.'

પતિએ યોજેલો આ શિક્ષણક્રમ આસપાસનાં પ્રેક્ષકોનું ધ્યાન ખેંચી રહ્યો હતો, તેમાંયે ખાસ કરીને પોતાને વધારે આવડતવાળી માનતી સન્નારીઓનું ધ્યાન વધારે ખેંચી રહ્યો. કેટલીક સન્નારીઓએ સ્મિત કરી મુખ ઉપર રૂમાલ ઢાંક્યો અને એકબીજાની સામે જ્ઞાનભરી દૃષ્ટિ ફેંકી. રમત ચાલુ જ હતી. એક ફટકો વાગ્યો અને પત્નીએ પૂછ્યું :

‘પેલો કેમ દોડે છે ?’

‘રન લેવા.’

‘શું લેવા ?'

‘એક બાજુએથી બીજી બાજુએ દોટ મૂકે તેને રન મળે.'

‘બીજા બધા કેમ દોડતા નથી ? બધાને રન ન મળે ?'

‘હું પછી સમજાવીશ.’

પણ આ સમજકથા ક્રિકેટની રમતના એક ભારે જાણકારના વિવેચનપ્રવાહમાં ઘસડાઈ ગઈ. દરેક ટોળામાં અને દરેક તંબૂમાં ઈશ્વરકૃપાએ એકાદ મહાજ્ઞાની અને મહાજીભાળ વિવેચક ગમે ત્યાંથી ફૂટી નીકળે જ છે.

રમત સહજ જામી એટલે એ વિવેચકની જીભ ગતિમાન થઈ. રમત કરતાં પણ એની જિવ્હાઝડપ વધારે હતી. રમનારે ફટકો માર્યો અને વિવેચકે વાણીનો પ્રવાહ છૂટો મૂક્યો :

‘જો આ ભૂલ કરી. હમણાં જ ઝિલાઈ જાત.'

બીજો બૉલ રમનારે રોક્યો અને વિવેચકે બૉલર વિરુદ્ધ ટીકા કરી :

‘જરા વધારે “સ્પિન” કર્યો હોત તો ? સીધો સ્ટમ્પમાં બૉલ ચાલ્યો જાત.'