પૃષ્ઠ:Chhayanat.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૭૧
 


ત્રીજા બૉલે બાઉન્ડરી ઉપર ફટકો ગયો એટલે વિવેચકે ફીલ્ડર વિરુદ્ધ ટીકા કરી :

‘શું ઊભો રહ્યો છે ! જરા આડો પડ્યો હોત તો બૉલ રોકાઈ જાત. હવેના ફિલ્ડરોમાં ચપળતા જ ઓછી, સ્ટેન્ડર્ડ હવે બધે ઘટી ગયું.’

ચોથા બૉલે રમનારના સ્ટમ્પ્સ ઉપરની ચકરડીઓ ઊડી ગઈ. વિકેટકીપરે હાથ ઊંચા કરી કૂદકો માર્યો. રમનારે સ્ટમ્પ્સ તરફ જોઈ ચાલવા માંડ્યું અને ચારે બાજુએથી તાળીઓનો ગડગડાટ થઈ રહ્યો.

‘હું શું કહેતો હતો ? બેટ ક્રોસ ફેરવવાની ટેવ એ ભૂલતો જ નથી. આઉટ ન થાય તો બીજું શું થાય ?’ ડૉક્ટર દવા આપે, દર્દી તે પીએ નહિ અને પછી દુઃખ ભોગવે, એ સામે ડૉક્ટર જેમ વાંધો લે તેમ વિવેચકે ટીકા કરી. પાસે બેઠેલા એક પ્રેક્ષકે વિવેચકને પૂછ્યું :

‘તમે આ ટીમના કોચ છો શું ?’

વિવેચકનો ઉત્સાહ આવા પ્રશ્નોથી ઓસરે એમ ન હતું. બ્રેડપન, હોબ્સ, રણજી, ગીલીગન વગેરે રમનારાઓનાં નામ સાથે તેમણે ચારેપાસ ક્રિકેટજ્ઞાન વેરવા માંડ્યું. રમતમાં સમજ ન પડી માત્ર જ્ઞાનપિપાસુ પત્નીને.

‘આ કેમ તાળીઓ પડી ?' તેમણે પૂછ્યું.

‘રમનાર આઉટ થયો.’

'તે સારું કહેવાય કે ખોટું ?’

‘દાવ આપનાર માટે સારું. લેનાર માટે ખોટું.’

‘હવે શું કરશે ?'

‘બીજો રમનાર આવશે.'

‘ક્યાંથી ?’

‘પેલા તંબૂમાંથી.’

‘આપણા તંબૂમાંથી કોઈને ન રમાડે ?'

‘અં હં. રમનારા નક્કી થઈ ગયા હોય. જો, પેલો નવો રમનાર આવે.'

'બે જણ છે ને ?'

‘એક તો રમતો હતો. તે જ છે.’

‘નવો રમનાર આઉટ થયો ?’

'હજી રમ્યો નથી તે પહેલાં આઉટ શી રીતે થાય ?’

‘તાળીઓ પડે છે ને ?’