પૃષ્ઠ:Chhayanat.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૭૩
 


ત્રણ ચાર પારસી બૈરાં અંગ્રેજી ઢબે હસી ઊઠ્યાં. એકાએક પાછી તાળીઓ પડી, અને દાવ આપનારા પાછા ભેગા થઈ ગયા, રમનારા તંબૂ તરફ વળ્યા.

‘શું થયું ?’ નૂતન જ્ઞાની પત્નીએ ધીમેથી પૂછ્યું.

‘એક રમનાર આઉટ થયો.’

'શાથી?'

‘બોલ ઝિલાઈ ગયો. તેથી.'

‘એમાંય એનો દાવ જાય ? બૉલ અધ્ધર ઝિલાય અને મેલો ન થાય, એમાં ખોટું શું ?' પત્નીને પતિએ શો જવાબ આપ્યો તે સમજાયું નહિ. છૂટાછેડા માટેની સગવડ પુરુષો માટે પ્રત્યેક પળે હોવી જોઇએ એમ તેમનો અંતરાત્મા બોલતો સંભળાયો. વિવેચકે ક્યારનું ધ્યાન ખેંચી લીધું હતું :

“મેં શું કહ્યું હતું ? એ ઝિલાઈ જવાનો જ હતો. બહુ વાર કહ્યું કે તું બેટ ન ઉપાડીશ... હવે એ જમાનો ગયો. રમત જુએ પણ શીખે નહિ.’

‘તમે તાલિયારખાનના મિત્ર લાગો છો.' એક ગૃહસ્થ વિવેચકના વિવેચનપ્રવાહને ઉદ્દેશી કહ્યું.

‘બોબી ને ? હું સારી રીતે ઓળખું. એમ.સી.સી.ના લંચ વખતે અમે સાથે જ હતા.' વિવેચકનાં સગપણ તથા ઓળખાણનો વિસ્તાર ઘણો મોટો હતો.

ફરી તાળીઓ પડી. બે રમનારા પાછા આવ્યા. વિવેચકે કહ્યું :

‘અરવિંદ તો ચોંટ્યો છે. આ રહીમ જો પહેલી ઓવર સંભાળી લે તો બચે. પછી રમત જામશે. પણ મિયાંભાઈ છે ! ભલું પૂછવું !’

ત્રણ ચાર મુસ્લિમ રમતશોખીન બેઠા હતા તેમણે વિવેચક તરફ જોયું. તેમની આંખમાં સ્પષ્ટ અણગમો દેખાતો હતો. કપટી, દુષ્ટ અને ભિન્ન સંસ્કારી હિંદુઓથી ઘેરાયેલા મુસ્લિમો સ્વરક્ષણ અર્થે પાકિસ્તાનનું બખ્તર પહેરેલું જ રાખે છે. સદ્ભાવ, મશ્કરી, કટાક્ષ કે ટીકા એ સર્વનો સામનો કરવાની ચોવીસે કલાકની તેમની તૈયારી, તેમની અને નાલાયક હિંદુઓની વચ્ચે દેખાઈ આવે એવી, એક મજબૂત દીવાલ ઊભી કર્યે જ જાય છે. જગતની બધી સંસ્કૃતિઓ એક થઈ શકે, પરંતુ હિંદની હિંદુમુસ્લિમ સંસ્કૃતિ ભેગી જ ન થાય એવી સંભાવના હજાર વર્ષના સહવાસ પછી આગેવાન મુસ્લિમોએ શોધી કાઢી છે, અને એ જ આગેવાનોના પૂર્વજો બસો વર્ષ ઉપર તો હિંદુ જ હતા. મુસ્લિમોનો ‘મ' કહેતા બરોબર મુસ્લિમોના