પૃષ્ઠ:Chhayanat.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬: છાયાનટ
 


'પણ એના સ્ટમ્પ્સ પડ્યા નથી, બૉલ ઝિલાયો નથી, પછી કેમ આઉટ થાય ?'

‘એ તો એવો નિયમ છે, પગ વચ્ચે ન લવાય.'

‘કોની વચ્ચે ?' પ્રશ્નનો ઉત્તર પતિ આપે તે પહેલાં સહુનું ધ્યાન એક બાજુ ઉપર દોરાયું. વિવેચકે રહીમ આઉટ થતા બરોબર કહ્યું.

‘હું શું કહેતો હતો ! ઊડ્યો ને છેવટે ?’ બધાનો આનંદ ઓસર્યો. પોતાનું વાક્ય મોડું મોડું પણ સાચું પડવું એનો આનંદ વિવેચકને વધારે હતો. સારો રમનાર રમે તે કરતાં પોતાનું ભવિષ્ય સાચું પડે એમાં વિવેચકને વધારે હર્ષ હતો.

‘વહ અમ્પાયર નહિ હય. હજજામ હોય.' રહીમના એક ધર્મબિરાદરે કહ્યું. અંગ્રેજી-ખ્રિસ્તી-રમતમાં મુસ્લિમ રમનારની વિરુદ્ધ નિર્ણય આપનાર હિંદુ આખા મુસ્લિમ ધર્મનું અપમાન કરી રહ્યો હતો. એમ તેને લાગ્યું.

‘મિયાંભાઈની વિરુદ્ધ મત આપ્યો માટે કે ? ચોખ્ખો એલ.બી.ડબલ્યુ. હતો.' વિવેચકે વર્ષોથી બૅટ હાથમાં પકડ્યું ન હોવા છતાં અભિપ્રાય આપ્યો. ત્રીજા-ચોથા દરજજાની ટીમો કરતાં તેઓ ભાગ્યે ઊંચે ચઢેલા હતા. પરંતુ મત આપવાનો અધિકાર વિવેચકો કદી જતો કરતા નથી.

‘મોં સમાલીને બોલ, નહિ તો...’ જગતના અરધો અબજ મુસ્લિમોને ટેકે ઊભેલો મુસ્લિમ કદી ડરતો નથી ! હિંદમાં તો નહિ જ - હિંદુથી તો નહિ'

‘અરે જા, જા હવે, તારા જેવા બહુ જોયા છે !’ વાણીશુરા ગુજરાતી ભાઈની બહાદુરી, જર્મનીને પણ શિક્ષણ આપે એવી છે - અલબત્ત સામાવાળિયો સલામત અંતરે હોય તો જ. અંગ્રેજોએ શોધી કાઢેલો brave retreat બહાદુરીભરી પીછેહઠ એ શબ્દ ગુજરાતીઓના સંસર્ગમાં આવ્યા પછી અંગ્રેજેને જડ્યો લાગે છે. ક.દ.ડા. એ ‘શરીરે સુખી તો સુખી સર્વ વાતે'નો શીખવેલો સિદ્ધાંત ગુજરાતીઓ અક્ષરશઃ પાળે છે અને પોતાના દેહને કોઈ પણ સંજોગોમાં જોખમાવા દેતા જ નથી. આત્મા ભલે નાકલીટી તાણતો માટીમાં ઘસડાતો હોય !

સ્કૂલ-કૉલેજના વિદ્યાર્થીઓ એથી પણ વધારે બહાદુર હોય છે. સંખ્યાને આશ્રયે હિંમત ઊભી કરી શિક્ષકો તથા પ્રોફેસરોની ગમ્મત