પૃષ્ઠ:Chhayanat.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮: છાયાનટ
 

સામે ચમકી રહ્યો - ચમકી રહ્યો એટલું જ નહિ જોતજોતામાં તેના દેહમાં પેસી ગયો !

આખો તંબૂ સ્તબ્ધ થઈ ગયો. મેદાન ઉપર ફરતા રમનારા પણ સ્તબ્ધ બની ગયા. રમતમાં આવનાર યુગ્મ પણ થંભી ગયું. વિદ્યાર્થી યુવક ચીસ પાડી ખુરશી ઉપરથી જમીન ઉપર ઢળી પડ્યો !

આસપાસ બેઠેલાં સ્ત્રીપુરુષોએ અવ્યવસ્થિત રીતે ત્યાંથી ભાગવા માંડ્યું. મેદાન ઉપર રમત કરતી ટોળી ભેગી થઈ ગઈ. બીજા તંબૂઓમાં પણ દોડધામ થઈ રહી. મારામારી થઇ, ખૂન થયું; બે ખૂન થયાં, મુસ્લિમો છરા લેઇ ફરે છે; મેદાનને તેમણે ઘેરી લીધું છે.- આવી આવી દોડતાં દોડતાં થતી વાતો જોતજોતામાં આખા વાતાવરણમાં ફેલાઈ અને બેત્રણ હજાર નાગરિક સ્ત્રીપુરુષોનો સમુદાય અસ્તવ્યસ્ત થઈ ગયો.

એ સમુદાયમાં ટોળાબહાદુર વિદ્યાર્થીઓ હતા; મન, વચન અને કર્મથી હિંસાને તજી બેઠેલા અંધોળિયા ગાંધીવાદીઓ પણ હતા; અહિંસાથી કાંઈ વળવાનું નથી એમ માની પરાણે પોતાને જોરદાર માનતા હિંદુ મહાસભાવાદીઓ અને સનાતનીઓ હતા, અને ઝઘડો કરવામાં નફો છે જ નહિ એમ નિશ્વય કરી બેઠેલા વ્યવહારકુશળ વ્યાપારીઓ પણ હતા; ગુનો થાય એટલે પોલીસ તથા ન્યાયાધીશોની સત્તા ફેલાય છે એમ માની એ સત્તામાં દખલ ન કરવાની તટસ્થતા વિકસાવનારા અમલદારો હતા, અને પોતે જાતે તો બહાદુર ખરા જ, છતાં કચેરીઓના ધક્કાની ફુરસદ ન હોવાના કારણે પલાયન કરનારા શૂરવીરો પણ તેમાં હતા. ધનિકો તો આવા ક્ષુલ્લક ઝઘડામાં પડવાની હલકાઈમાં ઊતરે જ નહિ એટલે તેમણે પોતપોતાની કાર ઝડપથી શોધી લીધી. વિદ્યાર્થીઓ કોઈ વીરરસની કવિતામાંથી પ્રેરણા મેળવવા પોતપોતાની ઓરડીઓ તરફ દોડ્યા - જોકે દોડતે દોડતે પણ તેમની દૃષ્ટિ આગળ લીલા દેસાઈનું નૃત્ય, દેવીકારાનીનું સ્મિત અને શાંતા આપ્ટેની લટ દેખાયા કરતાં હતાં. ગાંધીવાદીઓની અહિંસાની એકે ગૂંચ ઊકલી નહિ, वृत्ताधारे पात्रम् કે पात्राधारे धृतम् જેવા જીવનમરણના પ્રશ્ન તેમના હૃદયમાં વગર ઊકલ્યે ઊભા થયે જ જતા હતા. હિંસક માનવી હથિયાર કાઢે તે જ ક્ષણે તેનો હાથ પકડવો કે તે હથિયાર ઉગામી પોતાની હિંસક વૃત્તિનો પુરાવો આપે ત્યારે હાથ પકડવો ? હથિયાર માર્યા પહેલાં રોકાણ થાય તો પ્રતિહિંસા બને કે નહિ ? અને માર્યા પછીના રોકાણમાં ખૂનીની હિંસાનો સંભવ ઊભો થાય ત્યારે શું કરવું ? ખૂન કરવાથી ખૂનીને થતા આનંદમાં ભંગાણ પાડતાં કદાચ માનસિક હિંસા થતી હોય તો એક દિવસના ઉપવાસે તેનું પ્રાયશ્ચિત્ત થાય કે એક