પૃષ્ઠ:Chhayanat.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૭૯
 

અઠવાડિયાના ઉપવાસે ? ખૂનીની છરી સામે અહિંસકો ઊભા તો રહે જ, પરંતુ એથી એકને બદલે બે ખૂન થવાના સંભવમાં હિંસા બમણી વધે ! એ સંભવ અટકાવવા તેમનો અંતરાત્મા આજ્ઞા કરતો હોય તો પગ પાછા વાળવા કે નહિ ? આ બધી માનસિક વિટંબણાઓનું સમાધાન જેમ બને તેમ ઝડપથી મેળવવા 'બાપુ'ને કે મહાદેવ દેસાઈને પત્રો લખવાની તાલાવેલીમાં સહુ ખાદીધારીઓએ ઝડપથી રમતનું મેદાન છોડી દીધું. ગાંધીવાદીઓની અહિંસાનો તિરસ્કાર કરતા શૂરવીર સનાતનીઓ કોઈ લાઠીધારી કે ખંજરના દાવ જાણતા આાર્યસમાજીને શોધી લાવવા મેદાનની હદ છોડી દોડી ગયા. સેવાની દેવી સન્નારીઓનાં તો હૃદય જ બેસી ગયાં હતાં, એટલે ઘાયલની સારવાર માટેની ઊર્મિ જ અટકી ગઈ હતી. રખે ને વેગથી દોડતા પતિદેવો પત્નીઓને કાયમને માટે તજી જાય એવા ભયથી પત્નીઓએ પણ પતિ,દેવોની સાથે દોડવાની શરત કરવા માંડી. આમ બેત્રણ હજાર માનવીઓની મેદનીને વિખેરી નાખનાર એક ખૂનનો પ્રયત્ન ક્રિકેટ જેવા રમતોના શહેનશાહ સન્મુખ થઈ રહ્યો. ખૂનીને ખૂનનો બદલો ઈશ્વર જરૂર આપી રહેશે ! અને જેનું ખૂન થયું તે પૂર્વજન્મનાં કૃત્યનું ફળ મેળવતો હતો, એવી પણ માન્યતા ધર્મિષ્ઠ પ્રેક્ષકોના હૃદયમાં ઉત્પન્ન થતી હતી ! આ ધર્મહીન જગતમાં થોડો થોડો આવો ધર્મ હિંદમાં અને ગુજરાતમાં ખાસ સચવાઈ રહ્યો છે.'

દૂરથી 'પોલીસ પોલીસ’ની બૂમ પાડવાની બહાદુરી કેટલાકે કરી હતી. તેની નોંધ તો લેવાવી જ જોઈએ. તોફાનોની ઝપટમાં ચાંદ આપવાને પાત્ર કેટકેટલાંયે કૃત્યો ભુલાઈ ભૂસાઈ જાય છે ! સલામતી શોધતી પોલીસ ખાલી તંબૂમાં આવી પહોંચી. તે જ ક્ષણે તંબૂ ઉપર પથ્થરનો વરસાદ વરસ્યો. પાસે જ એક મસ્જિદ હતી. થોડે દૂર મંદિર પણ હતું. પરંતુ મંદિરના દેવ વર્ષોથી ઉપવાસ કરતા હતા.

તંબૂમાં ઘાયલ વિદ્યાર્થી પડ્યો હતો; તેના દેહમાંથી પડતું લોહી જમીન ઉપર રેલાતું હતું; એની પાસે ગૌતમ બેઠો હતો. ગૌતમના હાથ રુધિરભર્યા હતા; ચપ્પુ લોહીવાળું જમીન ઉપર પડ્યું હતું. હાથરૂમાલ અને પહેરણ ફાડી પાટો બાંધવા મથતા ગૌતમને એક પોલીસે ધસારો કરી ઝાલ્યો.