પૃષ્ઠ:Chhayanat.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦

"બદમાશ ! ખૂન કરીને હવે શાહુકાર બનવા બેઠો છે ?’ સિપાઈએ કહ્યું.

‘ખૂન ? મેં કર્યું ?’ ગૌતમ ચમક્યો.

‘એનો હાથ બાંધ. હમણાં પંચ ક્યાસ કરી લઈએ.' બીજા સિપાઈએ કહ્યું.

‘પંચ ક્યાસ પછી કરજો. આ માણસ હજી જીવે છે; દવાખાને લઈ જાઓ.' ગૌતમે કહ્યું, અને હાથ બાંધવા આવતા સિપાઈની સામે દાંત કચકચાવી તે ઊભો રહ્યો.

કાયદાની દૃષ્ટિએ માણસના જીવ કરતાં પંચક્યાસનું કાગળિયું મહત્વનું હોય છે.

ગાડીઓ અને મોટરકાર પાંચ મિનિટ પહેલાં જોઈએ એટલી મળી શકે એમ હતું; પાંચ મિનિટમાં તો ધનવાનોની એ માયા અદૃશ્ય થઈ ગઈ. ઘવાયલા માણસને દવાખાને પહોંચાડવા માટે સેંકડોમાંથી એકે વાહન કામ લાગ્યું નહિ. ખાનગી મિલકત સમાજને જરાયે કામ લાગતી નથી - જોકે સમાજ એ ખાનગી મિલકતો ઊભી કરવા દે છે; ગરીબને જરૂર પડે ત્યારે એ મિલકત સંતાઈ જાય છે.

ગાડી આવતા સુધી પોલીસે ગૌતમને હકીકત પૂછવા માંડી. ગૌતમે કહ્યું કે તે પોતે ક્રિકેટ મૅચ જેવા આવ્યો હતો. ઘાયલ યુવક તેનો એક પરિચિત સહવિદ્યાર્થી હતો. એક મુસ્લિમે તેના દેહમાં ચપુ ખોસી દીધો. તેને પકડવા ગૌતમ દોડ્યો, પરંતુ આસપાસ ઊભાં થઈ દોડવા માંડતાં સ્ત્રીપુરુષોની ગીરદીમાં ચપુ ખોસનાર માણસ નાસી ગયો. તેને પાસેની મસ્જિદમાં ભરાઈ જતો પણ ગૌતમે જોયો; એટલે ઘાયલ યુવકની સારવાર માટે તે પાછો તંબૂમાં આવ્યો. અને તંબૂ તથા મેદાન ઝડપથી ખાલી થઈ ગયું. એથી તેણે જખમી યુવક પાસે બેસી ચપુ કાઢ્યું અને ઘા ઉપર પાટો બાંધવા મંથન કર્યું.

આ સીધી સટ વાત પોલીસે માની નહિ.

‘તમે કહો છો એ વાતનો પુરાવો શો ?' પોલીસે પૂછ્યું.

'પુરાવો ? અહીં બેઠેલા ગમે તેને પૂછી જુઓ.’