પૃષ્ઠ:Chhayanat.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૮૧
 


'તે તમે અહીં રજૂ કરો.’

‘મને છુટ્ટો મૂકો તો હું પુરાવો રજૂ કરું.’

‘સાહેબ પાસે પ્રથમ તમને લેઈ જવા પડશે, પછી બીજી વાત.'

એકબે પોલીસ સાહેબો પણ ક્રિકેટ જોવા તેમ જ દેખરેખ રાખવા આવ્યા હતા. થોડી વારમાં તેઓ આવી પહોંચ્યા. જખમી બેભાન યુવકને દવાખાને મોકલ્યો અને લોહિયાળા હાથવાળા ગૌતમને શકદાર તરીકે પોલીસથાણે લેઈ ગયા.

ગૌતમને માટે આ વળી નવો અનુભવ હતો. માનવજાત પ્રત્યેની બેપરવાઈથી ઊભરાતા આ થાણામાં કેટલીયે વાર સુધી તેને બેસાડી મૂક્યો. સાહેબો, જમાદારો અને સિપાઈઓએ ચા પીધી. બીડીઓ પીધી અને ખાધી, ટોળટપ્પા કર્યા, થોડા માણસોને ધમકીઓ અપાઈ અને અંતે બે કલાકે ગૌતમને બોલાવવામાં આવ્યો.

'મિસ્તર, તમારું નામઠામ લખાવો.' ગૌતમે પોતાનું નામ અને ઠામ બંને લખાવ્યાં. ‘તમને હમણાં તો છોડી મૂકીએ છીએ, પણ હજી નક્કી કહેવાય નહિ. કદાચ સાક્ષીમાં તમને બોલાવવા પણ પડે.'

‘મને કેમ છોડી મૂકો છો ? અને પછી મારી સાહેદી શા માટે ?’

‘પેલા જખમી છોકરાએ લખાવ્યું કે મારનાર તમે ન હતા. એ એક મુસ્લિમ જ હતો. તમે તેની સારવાર જ કરતા હતા. એ જ માણસ એમ કહેતો હોય તો પછી તાત્કાલિક તમે છૂટા જ છો.’

‘એ છોકરો ભાનમાં આવ્યો ?’

'તે વગર લખાવ્યું હશે ?'

‘બચી જશે. ખરો ને ?’

‘આપણે ઓછા પરમેશ્વર છીએ !’ પોલીસ અમલદારે કહ્યું.

જગતનું સદ્ભાગ્ય છે કે હજી પોલીસ પૂરી પરમેશ્વર બની નથી !

ગૌતમ થાણાની બહાર નીકળ્યો. નવી દુનિયા જોઈને આવનાર માણસ જેમ ચકિત થાય તેમ તે ચકિત બની ગયો હતો. મારવાનો આરોપ તેને માથે ! જખમી યુવાન જાગૃત થયો ન હોત તો ? ગૌતમ જ ગુનેગાર ગણાત, નહિ ? કોઈને બચાવવું અગર ઘવાયલા માણસની સારવાર કરવી એ જોખમભરેલું તો છે જ.

સાંજ પડવા આવી હતી. રમત પાછી શરૂ થઈ ગઈ હતી - જોકે હવે જોનારમાં નહિ જેવાં માણસોએ આવવા હિંમત કરી હતી. ગૌતમે નળ