પૃષ્ઠ:Chhayanat.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨: છાયાનટ
 

ઉપર પોતાના લોહીવાળા હાથ પૂરેપૂરા ધોઈ નાખ્યા. મેદાનની આસપાસ એક ચક્કર મારી તેણે રમત જોઈ. રમતમાં તેને કશો જ રસ પડ્યો નહિ. તંબૂમાં તપાસ કરતાં તેને જણાયું કે પ્રિન્સિપાલ સાહેબ ત્યાં ન હતા. તેણે પ્રિન્સિપાલના બંગલાનો માર્ગ લીધો અને ત્યાં પહોંચી ગયો.

પ્રિન્સિપાલ સાહેબ તે જ ક્ષણે પોતાનાં પત્ની સાથે મોટરકારમાં બેસવા જતા હતા. ગૌતમે સલામ કરી તે તેમણે ઝીલી નહિ અને તેની સાથે વાત કરવાની જરા પણ ઈચ્છા દેખાડી નહિ. તેઓ સીધા કારમાં બેસી ગયા.

કારના બારણા પાસે આવી ગૌતમે કહ્યું :

‘સાહેબ હું આવી ગયો છું.’

'Yes, I have eyes to see you. But I am not interested...'[૧]

‘આપના કહેવા પ્રમાણે હું ચાર દિવસ બહાર રહ્યો...’

'I never told you, did I ?'[૨]

ખોટી વાતને ખરી લાગે એવા સ્વરૂપમાં મૂકવાની અંગ્રેજી ભાષાની શક્તિ અજબ છે. મુત્સદ્દીઓનાં ભાષણો, યુદ્ધસમયની યાદીઓ, સરકારી જાહેરાતો એ સઘળું ચોકસાઈથી વિચારાય તો આખી અંગ્રેજી ભાષાની ખૂબી સમજાઈ આવે એમ છે. સંસ્કૃત સાહિત્યકારોએ વાણીના ત્રણ અર્થ કહ્યા છે : વાચ્યાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંગાર્થ. અંગ્રેજી ભાષા વાચ્યાર્થને ઓળખતી નથી, લક્ષ્યાર્થને હડસેલી મૂકે છે અને વ્યંગાર્થ ઉપર જ ભાર મૂકે છે. વ્યંગાર્થમાં જ રસનિષ્પત્તિ થાય છે. એ ધોરણે અંગ્રેજી ભાષા રસ આ કવિતાથી ભરપૂર છે. પરંતુ કવિતાની માફક અંગ્રેજી ભાષા સમજૂતીગ્રંથો વગર ઊકલે એમ નથી. આપણે ધારીએ નહિ એવો અર્થ એમાંથી નીકળી શકે છે - અને એ અર્થને ખોટો કહેવાની આપની હિંમત ચાલતી નથી ! પશ્ચિમ સંસ્કૃતિનું એ ભાષા સાચું પ્રતિબિંબ છે !

ખરેખર, પ્રિન્સિપાલ અને ગૌતમને એ વાત થઈ જ ન હતી ! તેના પિતા અને મિત્રોએ તેને પ્રિન્સિપાલની એવી ઈચ્છા હોવાનું કહ્યું હતું.

‘મારા પિતાએ કહ્યું કે આપની એવી ઈચ્છા હતી.'

"That might have been his views, not mine.'[૩]


  1. ** હા. મારે આંખ છે. હું તમને જોઈ શકું છું. પણ મારે તમારી સાથે કાંઈ નિસબત નથી.
  2. ++ મેં તમને તેમ કરવા કહ્યું હતું, શું ?
  3. ** ** તેમની તેવી માન્યતા હશે. મારી નહિ.