પૃષ્ઠ:Chhayanat.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૮૭
 

પરંતુ કોઈ સક્રિય કાર્યક્રમ વિદ્યાર્થીઓને ફાવતો જ નથી. સારામાં સારા મિત્રો ફરી ગયા ! ચારપાંચ પોલીસના સિપાઈઓએ દોડતા આવી ગૌતમના વિચારપ્રવાહને અટકાવ્યો.

‘ભાગી જાઓ અહીંથી ! કેમ રખડો છો ?’ એક સિપાઈએ કહ્યું.

‘પોલીસ હોય ત્યાં બીક કેવી ? અમે શા માટે ભાગીએ ?’

‘અરે ! પોલીસની તે જિંદગી છે ? આમથી ઉપરીઓ હેરાન કરે અને આામથી લોકો ! અને પગારમાં આપવાનું શું ? ઘણે ભાગે તો દંડ !’ એક સિપાઈ બબડી ઊઠ્યો.

‘અરે જાઓ ને ભાઈ ! અમારું લાગ્યું અમે ભોગવીશું. પાછળ એક મોટું ટોળું આવે છે.’ બીજા સિપાઈએ કહ્યું.

દૂરથી કોલાહલ સંભળાતો હતો.

‘કોનું ટોળું છે ? હિંદુઓનું કે મુસલમાનોનું ?' દીનાનાથે પૂછ્યું.

‘અરે જેનું હશે તેનું; બંને સરખા છે ! જાઓ, સંતાઈ જાઓ.'

દીનાનાથે ગૌતમને દોર્યો. એક મોટા મકાનને ઓટલે ચઢી દીનાનાથે બારણું ખખડાવ્યું. બારણું ઊઘડતાં જરા વાર લાગી અને ટોળાનો શોર તદ્દન નજીક આવી લાગ્યો. લાઠી ધારણ કરેલા પચીસેક માણસો ‘મારો, મારો’ની બૂમ પાડતા ધસી આવતા હતા. પોલીસના પાંચેય માણસો અદૃશ્ય થઈ ગયા. મૃતદેહની પીઠમાં વાગેલા છરા હિંદુ-મુસ્લિમ ખાનદાનીના નમૂના સરખા હજી બંને દેહમાં ખોસાયલા જ હતા. ઝડપથી બારણું ઊઘડ્યું અને ટોળું પાસે આવે તે પહેલાં દીનાનાથ અને ગૌતમ ઘરમાં દાખલ થઈ ગયા. રહીમ, અરવિંદ શરદ, નાગેન્દ્ર અને નીશા તેની રાહ જોઈને જ ઊભાં હતાં. બારણું ઊઘડ્યું તેવું શરદે બંધ કરી દીધું.

‘તારી રાહ જોઈને થાકી ગયા !’ શરદે કહ્યું.

'તને મોટરકારમાં ફરતાં પણ થાક લાગે છે ?’ ગૌતમે હસીને, છતાં કટાક્ષમાં પૂછ્યું.

‘અરે પણ અમારા તંબૂમાં કેમ ન આવ્યો ?' રહીમે પૂછ્યું.

‘હું ક્યાં રમતમાં હતો ?’ ગૌતમે કહ્યું.

‘પણ અમે તો હતા. ને ? અમારી સાથે બેઠો હોત તો આજની મુશ્કેલીમાંથી તું ઊગરી જાત !' અરવિંદે કહ્યું.

‘તમારી સાથે હું ત્યારે બેસત કે જ્યારે તમે મારા વગર આ રમત રમ્યા ન હોત !'

'તે શું તને કૉલેજમાં દાખલ થવાની ના પાડી ?’