પૃષ્ઠ:Chhayanat.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ : ૮૯
 

મિત્રો આવી પહોંચ્યા. મિત્રા અને નિશા એક જ વર્ગમાં હતાં અને તેમની વચ્ચે મૈત્રી પણ હતી. શરદની મોટી કારમાં નીકળેલા એ સમૂહને મિત્રાએ ચાનું આમંત્રણ આપ્યું હતું એટલે ગૌતમ ન મળતાં એ સર્વ સંધ્યાકાળે મિત્રા પાસે આવ્યા. રસ્તામાં જ તોફાન શહેરવ્યાપી બન્યાની ખબર પડી અને આ હિંદુ લત્તો હોવાથી ભગવાનદાસ જેવા જાણીતા ગૃહસ્થનું ઘર રહીમ માટે પણ તાત્કાલિક સલામતીભર્યું નીવડશે એ કારણ ત્યાં આવવામાં હતું જ.

ગૌતમની ભાળ કાઢવા માટે દીનાનાથ વિશાળ ઓટલા ઉપર ઊભો જ રહ્યો હતો. ગૌતમને જોતાં બરોબર તેણે સહુને ખબર આપી અને તેને ખેંચી લાવવા દીનાનાથ ઘર બહાર નીકળ્યો.

પરંતુ ટોળાને કોઈ પણ કારણે ખબર પડી કે ભગવાનદાસે મુસલમાનને આશ્રય આપ્યો છે, એટલે ટોળું તેમનાં બારણાં તોડી નાખવા પ્રવૃત્ત થયું હતું. શેઠના માણસો ક્યાં અદૃશ્ય થઈ ગયા. તેની શેઠને ખબર ન પડે !

સહુથી વધારે ગભરાયેલા ભગવાનદાસે કહ્યું : ‘જો બેટા મિત્રા ! તું, તારી મા અને નિશા આગળ થાઓ, અને બારણાં ઉઘાડી ટોળાના લોકોને કહો કે કોઈ મુસલમાન આપણા ઘરમાં નથી.’

'આપ જ કહો તો વધારે વજન પડશે.’ અરવિંદે કહ્યું.

‘ટોળાનું ભલું પૂછવું ! પુરુષને દેખે એટલે એ ગમે તે કરે, બૈરાને કોઈ હરકત નહિ કરે. એટલે હું કહું છું તેમ જ કરો.' શેઠે ગભરાટ વધારીને કહ્યું.

‘એમ કરતા પહેલાં રહીમને સંતાડી દઈએ. આવડા મોટા ઘરમાં જગા મળી રહેશે.’ મિત્રાએ કહ્યું.

‘એટલો વખત નથી. બારણાં તૂટશે. હમણાં...ઓ... મૂર્ખી ! ઝડપ કર, નહિ તો મારે રહીમને સોંપી દેવો પડશે.'

‘એના કરતાં તો હું પોતે જ જાહેર થઈ જાઉં. મને ડર નથી.' રહીમે કહ્યું.

એકદમ બારણું તૂટ્યું અને ઓટલા ઉપર પચીસેક લાઠીધારીઓ ધસી આવ્યા.

ગૌતમ, દીનાનાથ, અરવિંદ અને રહીમ આગળ ધસી આવ્યા. તેમની પાછળ શરદ અને નાગેન્દ્ર ઊભા રહ્યા. નિશા, મિત્રા અને તેની માતા પાછળ ઊભાં. ભગવાનદાસ ઘરમાં જડે નહિ એમ અલોપ થઈ ગયા. તેમનો એવો મત હતો કે સ્ત્રી, પુત્રી, ઘર એ સઘળું આ તોફાનમાં ભસ્મ