પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બહારવટિયો રાયદે
૯૧
 


માડી ગામમાં સંવત ૧૯૪૪ના આસો સુદ પૂનમને દિવસે ચાર વાગે સાંજે પહોંચી તેણે દેવાના ભાઈને ઠાર માર્યો, દેવો ન જડ્યો, ઘોડાને ઉપાડ્યો. થોડે આઘે એક હરદાસ નામનો ચારણ મળ્યો. એના ખભામાં પાવલી જડેલી પટાવાળી ફૂમકિયાળી તરવાર હતી, હાથમાં ફરસી હતી, પગના જોડા ચરડ ચરડ બોલતા આવતા હતા. ઓળખ્યો, જોટાળી ચડાવીને સામી ધરી. હરદાસે હાથ જોડી કહ્યું ‘રાયદે, આંઉ તો તોજો કુત્તો અયાં.’

રાયદે કહે, ‘ભેંસા ! ચારણ થી, તરાર બંધી, માફી મગેતો ! વીંજ કુતા ! દે ડે તરાર.’ (હે નાલાયક ! ચારણ થયો છે, તલવાર બાંધી છે, ને માફી માગે છે? ચાલ્યો જા કુત્તા ! દઈ દે તારી તરવાર)

ત્યાંથી ખજુરીઆ ગામે જઈ પોતાની સ્ત્રીને રાખનાર ચારણ ગાંગાને ખેતરમાંથી તેડાવી ઠાર માર્યો. ત્યાંથી રાતના દસ વાગે બેહ નામના ગામે ગયો, ત્યાં માડીથી સામત જામ મહેમાન આવેલ તેથી વીરપાલ સંધિયાની ડેલીએ દાયરો જામેલો. ત્યાં જઈ ઘોડો ઉભો રાખ્યો ને સાહેબવેશે ત્રાડ પાડી: ‘ઈધર માળી વાલા સામતજામ આયા હૈ?’

સામતે અવાજ પારખ્યો. ઘરમાં ઘૂસી ગયો. હવે ઘણાં માણસો વચ્ચે એને બંદૂકે શી રીતે મરાય? એટલે ઘોડો ઉપાડી કહેતો ગયો કે, ‘ધ્યાન રખીજ, આંઉ રાયદે, આંયકે રિબાઈ રિબાઈને મારણા અય.’