પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
છેલ્લું પ્રયાણ
 

 ચોથે દિવસે રાજકોટ પહોંચી પોતાની નોકરીએ ચડી ગયો. પણ જામનગરના રાજ્ય તરફથી ધગધગતી તપાસ થવા લાગી, તેથી પોતે પલટનમાંથી ફારેગ થઈ નીકળી ગયો ને થોડા દિવસ પોતાની બન્ને બહેનો પાસે પરોડીઆ ગામે ને રાણ ગામે રોકાયો. પણ તપાસ ચાલુ હતી એટલે કંટાળીને વિચાર કર્યો કે, નકામા પકડાઈ ને ભીંત હેઠળ દબાઈ જઈ મરવા જેવું છે, માટે હવે તો નીકળી જ પડું.

સંવત ૧૯૪પના ચૈત્ર માસમાં એણે દસ માણસોની ટોળી બાંધી: ચારણ ધાના કરશન ભાથરનો, ચારણ પેથો ગ્રામડીનો, ચારણ સામત ભીડાનો, ચારણ વીરે ગ્રામડીનો, ચારણ જેસો પરોડીઆનો, વાઘેર રાજપાળ ને માણેક હરભમ ગોરીઆળીના, વાઘેર હાડો વીરપુરનો, કાનગર બાવો ને રમજાન કુંભાર રાણનો: ગ્રામડી જઈને મમાઈ માતાજીને પગે લાગી માગ્યું કે–

‘સામે પગલે મોત દીજ.’ (સામે પગલે મોત દેજે મા !)

ધોકે લઈ વેરી ધસે, દિયે તતારે તુંબેદ્ધ,
ગાલીએ છંદા ખેલ, સોંપ્યા સોરઠિયે કે.

(વેરીઓ સામે ધોકા લઈને ધસવું અને તરવારો ઝીંકવી એ તુંબેલ ચારણોનું કામ છે. માણસોમાં બેસી વાતોના તુક્કા લગાવા, છંદો ગાવા કે ગેલ કરાવવા,એ તો સોરઠીઆ પરજીઆ વગેરે ચારણોને સોંપ્યું છે.)