પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બહારવટિયો રાયદે
૧૦૫
 

 તાર છૂટેલ તેથી તપાસ થતી હતી. રાયદે બંદૂક લઈ જંગલમાંથી પસાર થવા લાગ્યો.

એક બેન પાસે પરોડીઆ ગામે ને બીજી બેન પાસે રાણ જઈ આવીને રાયદે દ્વારકા પહોંચ્યો, થોડા વાઘેરોને લીધા જેનાં નામ: ગોરવીઆળીનો રાજપાળ, મીંઆણીનો ભીમો મકવાણો, ગોરવીઆળીનો હરભમ માણેક, વીરપુરનો હાડો માણેક, ને ચારેક મુસલમાન કુંભારો: એમને લઈ બીજી વાર બહારવટે ચડ્યો.

ભાયાણી ભારથ કરે,
ખૂચડ બબે વાર;
તીખી ધાર તરવાર,
રગતે ડોળે રાયદે.

આ બીજા બહારવટામાં એક પછી એક ગામ રાયદે ભાંગતો ગયો, પણ બજાણા ગામના સીમાડે નારાડી વાવમાં ઉતારો કરી સાથીઓ હેમરાજ શેઠને ત્યાં સીધુંસામગ્રી લેવા ગયા, ને પાછા આવ્યા ત્યારે કહે કે હેમરાજને લૂંટીએ.

‘કાગડો કો કૂછેતો ?’ એમ કહી રાયદેએ કાગ-વાણી ઉકેલી. કહે કે ‘શુકન નથી, પંખી ના પાડે છે.’ છતાં સાથીઓના આગ્રહથી દી આથમતે બજાણા પર પડ્યા, હેમરાજ શેઠને ઘેર ગયા, શેઠે આવકાર દીધો, કે બહાદુરને જોઈ હું ખુશી થાઉં છું.

‘તુને લૂંટવા આવ્યા છીએ.’