પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
છેલ્લું પ્રયાણ
 

 ‘નહિ ઊઘડે.’

‘કાંઈક તોડવાની કોશ તો દે!’

‘નથી, પણ આ લે આ હળનું છવડું.’

હળના છવડા વતી રાયદેએ ભીંત હેઠળ ખાડો પાડ્યો.

બીજા ઓરડામાં જવા માટે વચલો કરો તોડ્યો. રાંધણીઆમાં જવાનું ફાંકુ પાડ્યું.

ઘસત આવી.

મહમદખાં દફેદાર ને જેશંકરભાઈ ઘસતના આગેવાન હતા, તેણે હાકલ કરી: ‘રાયદે, હથિયાર છોડ.’

‘તમે પોતે આવો તો હથિયાર આપું.’

આડું ગાડું દેવરાવી મહમદખાં ખડકીમાં અંદર આવ્યા.

રાયદે પાસે ત્રણ જ ભડાકાનો દારૂ હતો. છરા ગોળી કાંઈ નહોતું. પોતાનો પગનો તોડો તોડી નાખ્યો. તોડાના મકોડા બંદૂકમાં ભર્યા.

બંદૂક લઈને બાંકોરા વાટે બાજુને રસોડે પેઠો. ત્યાંથી એક બંદૂક, ને બીજી મારી. અંદરથી દુહા ને છંદ બોલે. અહીંથી પોલીસના ગોળીબાર ચાલે.

રોંઢે ઘસતે ઘર સળગાવ્યું ત્યારે રાયદેએ અંદરથી કહ્યું:

‘કોઈ એમ ન કહેતા કે અમે રાયદેને માર્યો છે. હું જ જાઉં છું. રામ રામ.’