પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[૬]


ત્રીજા પ્રયાણને છેલ્લે ખાંભે


રાયદે બહાવરટિયાની આખી કથા મેળવવા માટે સુયોગ આ રીતે બન્યો. હરદાસ રાણસૂર લુણા નામના એક ચારણભાઈ મળવા આવ્યા. કહે કે, થોડાક છંદો રચીને લાવ્યો છું. આ રીતે નવાં જોડકણાં કરી કરીને લાવવાનો જે શોખ અત્યારના ચારણોમાં લાગ્યો છે તેની છાપ મન પર સારી નથી. એ કૃતિઓ નકલી હોય છે. વિશેષમાં એની અંદર રાષ્ટ્રીય ભાવનાનું પોતું મારેલું હોય છે. મને એમાં રસ નહોતો.

જુવાન હરદાસને કહ્યું: ‘તમારી રચનાને તો શું કરું ! પણ તમે તુંબેલ ચારણ છો, તો જાવ બારાડીમાં, રાયદેનો કડીબંધ કિસ્સો લઈ આવો.’

ભલો જુવાન, થોડે મહિને સાંગોપાંગ, એના હસ્તાક્ષરોમાં જ આવડ્યું તેવું ઉસરડી આવ્યો. સૂચના આપેલી. કે રાયદે વિશે જે શબ્દોમાં વાતો સાંભળો તે જ શબ્દો, રૂઢ પ્રયોગો, વાક્યો, વહેમો, માન્યતાઓ, બિલકુલ ઓપ ચડાવ્યા વગર ટપકાવજો. એ સૂચનાનું હરદાસ ગઢવીએ અણીશુદ્ધ પાલન કર્યું, પરિણામે આપણને, આગલા પ્રકરણમાં જોયું કે, તાદૃશ શબ્દચિત્ર મળ્યું.